ગુજરાત
ખૂંટીયો આડો ઉતરતા બોલેરો પલટી, એક યુવાનનું મોત
જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર નાની ખાવડી ગામના પાટીયા પાસે એક ખૂંટીયો આડો ઉતરતાં બોલેરો કાર પલટી મારી ગઈ હતી, જેમાં બેઠેલા સીકકા ગામના એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે સીકકા ગામના જ અન્ય ત્રણ યુવકો ઘાયલ થયા છે. ચારેય મિત્રો સિક્કા પાટીયા પાસે ચા પાણી પીવા જતાં રસ્તામાં આ અકસ્માત નડ્યો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક સિક્કામાં રહેતો મહેબૂબ ગુલામ ખલીફા ઉપરાંત સોયબ અબ્દુલભાઈ ભગાડ (ઉ.વ. 19) તથા તેના અન્ય બે મિત્રો મહેબૂબ મુલ્લા અને અસગર અબ્બાસ કે જેઓ ચારેય મિત્રો સિક્કાથી જી.જે. 10 ડી.એન.5595 નંબરની બોલેરો માં બેસીને ચા-પાણી પીવા માટે સિક્કા પાટીયા પાસે જતા હતા.
જે દરમિયાન રાત્રિના આશરે એક વાગ્યાના અરસામાં એક ખૂંટીયો આડો ઉતરતાં બોલેરો રોડથી નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં સોયબ અબ્દુલભાઈ ભગાડ (ઉ.વ. વર્ષ 19) નો ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું હતું, જેથી મૃતકના પરિવારમાં માતમ છવાયો છે.
આ ઉપરાંત બોલેરો ના ચાલક મહેબૂબ ગુલામ સહિત અન્ય ત્રણ મિત્રોને નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કાના પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ પટેલ તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે તેમજ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને સોયબ ભગાડના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિત ની કાર્યવાહી હાથ ધરી છે.