કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઈડીસીમાં રહેતો બિહારી યુવાન છ દિવસ પહેલા પોતાની રૂમેથી બોલાચાલી કરી ઘરેથી નીકળી ગયો હતો. જેની ગઈકાલે બપોરે મેટોડા જીઆઈડીસીમાં આવેલા કૂવામાંથી લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકે આપઘાત કરી લીધાની શંકા સેવાઈ રહી છે.
જાણવા મળતી વિગત મુજબ, મેટોડા જીઆઈડીસી ગેઈટ નં.3માં આવેલી જે-માર્ટ કંપનીમાં રહેતો મહમદ ઈમરાન મોહમ્મદ મોઈન (ઉ.20) નામનો બિહારી યુવાન છ દિવસ પહેલા પોતાના ઘરેથી નીકળી ગયો હતો.
બાદમાં ગઈકાલે બપોરે મેટોડા જીઆઈડીસીમાં આવેલા સિલ્વર કારખાનાની પાછળ વાળીમાં આવેલા કૂવામાંથી તેની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં મેટોડા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહને બહાર કાઢી જરૂરી કાર્યવાહી કરી પી.એમ.અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક મોહમ્મદ મુળ બિહારનો વતની છે અને આઠ મહિનાથી મેટોડામાં રહી કામ કરતો હતો તે છ ભાઈ એક બહેનમાં વચેટ હોવાનું જાણવા મળ્યું છે.
મોહમ્મદ કારખાનીની રૂમમાં અન્ય મજુરો સાથે રહેતો હતો છ દિવસ પહેલા રૂમમાં સાથે રહેતાં યુવાનો સાથે બોલાચાલી થતાં તે ઘરેથી નીકળી ગયો હતો. જે અંગે ચાર દિવસ પહેલા મેટોડા પોલીસમાં ગુમસુદાની અરજી નોંધાઈ હતી. મૃતકે ઘરેથી નીકળી આપઘાત કરી લીધાની શંકા સેવાઈ રહી છે. આ અંગે મેટોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભારતનગરમાં બેભાન થઈ જતાં યુવાનનું મોત
આજી ડેમ ચોકડી નજીક આવેલા ભારતનગરમાં રહેતો અર્જુનરામ નરેશરામ નિશાંત (ઉ.22) નામનો યુવાન આજે વહેલી સવારે કારખાનાની રૂમમાં હતો ત્યારે બેભાન થઈ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું મોત નિપજ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ એક બહેનમાં વચેટ અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું તથા તેને દારૂ પીવાની ટેવ હોવાનું જાણવા મળ્યું છે.

