રોટેશને અનેક નેતાઓનું રાજકારણ દાવ પર લગાવી દીધું, ભૂપત બોદર, પી.જી.કયાડા, પ્રવિણાબેન રંગાણી, સહદેવસિંહ જાડેજા નો-રિપીટ
રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો ગઈકાલે જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં અનેક મોટા માથાઓના નામ કપાઈ ગયા છે. ત્રણ ટર્મથી ચુંટાતાને ટિકીટ નહીં આપવાના નિયમ અને અનામત રોટેશનથી અનેક સિનિયરો પણ ઘરભેગા થઈ ગયા છે. જિલ્લા પંચાયતનાં ગત ટર્મના કુલ 36 ઉમેદવારોમાંથી ભાજપે માત્ર પાંચને જ રિપિટ કર્યા છે જ્યારે બાકીનાની બાદબાકી કરી નાખી છે, તો ત્રણ બેઠકો બેડલા, કુવાડવા અને શિવરાજપુરમાં સવારે 11 વાગ્યા સુધી ખેંચતાણ બાદ કુવાડવામાં દેવ કોરડીયા અને બેડલામાં ગોવાણીનું નામ ફાઈનલ થયું છે. શિવરાજપુર બેઠક માટે ભારે ખેંચતાણ ચાલી હતી.
આજે બપોરે ભાજપના તમામ સભ્યોએ કહી ખુશી કહી ગમ વચ્ચે ઉમેદવારીપત્રકો ભરી દીધા હતાં. રાજકોટ જિલ્લા પંચાયતની 36 પૈકી 33 બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જાહેર થયેલા ઉમેદવારોમાં બેડી બેઠક પર સુમીતાબેન ચાવડાને રિપીટ કરવામાં આવ્યા જયારે રાજેશભાઈ ડાંગરને રિપીટ કરી દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે અને લોધીકા બેઠક પરથી હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાને ટિકિટ આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં 21 બેઠક બિન અનામત સામાન્ય, 10 બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ(ઓબીસી), 4 બેઠક અનુસૂચિત જાતિ અને 1 બેઠક અનુસૂચિત જનજાતિની જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે બેઠકોનું રોટેશન કરતા પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત પદાધિકારીના પતા કપાયા છે. જોકે, ઉપપ્રમુખ રાજેશભાઈ ડાંગરને આ વખતે દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર બનાવી ચૂંટણી લડાવવા જાહેરાત કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતમાં સ્ત્રીઓ માટે બિન અનામત સામાન્ય બેઠકમાંથી 10, ઓબીસીની 5, અનુસૂચિત જાતિની 2 અને અનુસૂચિત જનજાતિની 1 મળી કુલ 18 બેઠક અનામત રાખવામાં આવી છે. જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકમાંથી માત્ર 7 બેઠક ગત વખતની જેમ યથાવત્ રાખવામાં આવી છે જ્યારે 29 બેઠકમાં ફેરફાર કરવામાં આવતા પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, કારોબારી ચેરમેન પી.જી.કિયાડા, પૂર્વ પ્રમુખ ભૂપત બોદર, પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા સહિતના ધુરંધરો કપાઇ ગયા છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન અને પૂર્વ વિપક્ષ નેતા પણ રહી ચૂકેલા અર્જુન ખાટરિયાનું પત્તુ કપાઈ ગયું છે. અર્જુન ખાટરીયા 25 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ગત લોકસભા ચૂંટણી પહેલા વર્ષ 2024માં તેઓએ કેસરિયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સતત ચાર ટર્મથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા જો કે ભાજપમાં પ્રવેશ બાદ આ વખતે તેમની બાદબાકી કરવામાં આવી છે.
કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા ખાટરીયા કપાયા, ભત્રીજાને ટિકીટ
રાજકોટ જિલ્લાના રાજકારણમાં એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન અને પૂર્વ વિપક્ષ નેતા રહી ચૂકેલા અર્જુન ખાટરિયાનું ભાજપની ઉમેદવારોની યાદીમાંથી પત્તું કપાઈ ગયું છે. દાયકાઓ સુધી રાજકોટના ગ્રામીણ રાજકારણમાં સક્રિય રહેલા ખાટરિયાની બાદબાકી થતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. જો કે, તેના બદલે તેના ભત્રીજા યુવરાજ ખાટરીયાને ટિકીટ આપવામાં આવી છે.અર્જુન ખાટરિયાનો રાજકીય ઈતિહાસ ઘણો મજબૂત રહ્યો છે. તેઓ સતત 25 વર્ષ સુધી કોંગ્રેસ પક્ષમાં પાયાના કાર્યકર અને નેતા તરીકે રહ્યા હતા. ગત વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા, તેમણે કોંગ્રેસનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે એવું માનવામાં આવતું હતું કે ભાજપમાં આવવાથી તેમનું રાજકીય કદ વધશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમને મહત્વની જવાબદારી મળશે, પરંતુ પક્ષે આ વખતે તેમને ટિકિટ ન આપીને મોટો આંચકો આપ્યો છે.ભાજપમાં પ્રવેશ્યા બાદ આ પ્રથમ સ્થાનિક ચૂંટણી હતી જેમાં ખાટરિયાની બાદબાકી કરવામાં આવી છે. રાજકીય વિશ્ર્લેષકો માની રહ્યા છે કે ભાજપે ’નો રિપીટ થીયરી’ અથવા તો જૂના અને પાયાના કાર્યકરોને સાચવવા માટે આ નિર્ણય લીધો હોઈ શકે છે. બીજી તરફ, 25 વર્ષ કોંગ્રેસમાં રહ્યા બાદ ભાજપમાં આવેલા નેતાની આ રીતે બાદબાકી થતા હવે તેમના સમર્થકોમાં કેવો રોષ જોવા મળે છે અથવા તો ખાટરિયા આગામી સમયમાં કેવું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે.

