અચાનક ભાજપના ટોચના નેતાઓની હાજરીમાં પાટીદાર સમાજના મોટા કાર્યક્રમોના આયોજનોથી રાજકીય પંડિતોમાં જાગેલી ચર્ચા
સુરતમાં પાટીલ-સંઘવીનું પાટીદારો દ્વારા સન્માન, અમદાવાદમાં અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિશ્ર્વ ઉમિયાધામ દ્વારા બિઝનેસ મીટ અને નિકોલમાં હર્ષ સંઘવીની હાજરીમાં લેઉવા પાટીદાર સમાજનું સ્નેહમિલન
ગુજરાતમાં આગામી વર્ષ 2026માં યોજાનાર પાલિકા,મહાપાલિકા તથા જિલ્લા – તાલુકા પંચાયતોની ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષ ભાજપનો પાટીદાર પ્રેમ ફરી છલકાયો છે અને સમસ્ત ગુજરાતમાં ભાજપના નેતાઓની હાજરીમાં પાટીદાર સમાજના કાર્યક્રમોની વણઝાર શરૂૂ થઈ છે હોય તેમ છેલ્લા બે દિવસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં પાટીદારોના ત્રણ મોટા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
શનિવારે સાંજે સુરત ખાતે ઉતર ગુજરાત પાટીદાર સન્માન સમિતિ દ્વારા કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી.આર.પાટીલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
જ્યારે રવિવારે અમદાવાદ ખાતે વિસ્વ ઉમિયાધામ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં બિઝનેસ મિટનો મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો અમદાવાદ નિકોલ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની હાજરીમાં સ્નેહ મિલનનો મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સંઘવી તથા પંચાલનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ તમામ કાર્યક્રમોમાં લેઉવા અને કડવા પાટીદાર સમાજના સ્થાનિક ધારાસભ્યો, કોર્પોરેટરો,જીલ્લા-તાલુકા પંચાયતોના સભ્યો તેમજ વ્યાપાર – ઉદ્યોગ ક્ષેત્ર અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.
અચાનક પાટીદાર સમાજના કાર્યક્રમોમાં ભાજપના પ્રથમ હરોળના નેતાઓની હાજરીમાં યોજાઈ રહેલા કાર્યક્રમોથી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા આવેલા આ બદલાવ સૂચક માનવામાં આવે છે.
રાજકીય પંડિતોના મતે પાટીદાર સમાજ ખાસ કરીને લેઉવા પાટીદારો ભજપથી નારાજ હોવાનો ભાજપની નેતાગીરીને અંદાજ આવી ગયો છે અને આ નારાજગી સ્થાનિક ચૂંટણીઓ વખતે પણ યથાવત રહે તો ભાજપને પાટીદાર આંદોલનની માફક ભારે પડી શકે તેમ છે.
આ ઉપરાંત વિસાવદરમાં ગોપાલ ઇટલીયાનો વિજય ભાજપ માટે લાલબત્તી સમાન રહ્યો છે,લેઉવા પાટીદારોના ગઢ સમાન આ બેઠકમાં ભાજપે સામ, દામ, દંડ અને ભેદ સહિતની તમામ નીતિઓ અપનાવી હોવા છતાં મળેલો ફટકો હજુ સુધી ભાજપના નેતાઓ ભૂલી શક્યા નથી તેથી પાણી પહેલા પાળ બાંધવા ભાજપે અત્યારથી જ કવાયત શરૂૂ કરી પાટીદારોને મનાવવા પ્રયાસો શરૂૂ કરી દીધા હોવાનું માનવામાં આવે છે.
શક્તિશાળી પાટીદાર નેતાઓને કાપવાથી અંદરખાને નારાજગી ભાજપને ભારે પડી શકે
ગુજરાતમાં વિજયભાઈ રૂૂપણીની સરકારની વિદાય બાદ સર્જાયેલા નવા રાજકીય સમિકરણોમાં ભાજપે ઉભરતા અને શક્તીશાળી પાટીદાર નેતાઓને વિના કારણે કાપી નવા તથા નબળા નેતાઓને આગળ કરવાની અપનાવેલી નીતિથી પણ લેઉવા પટેલોમાં અંદરખાને નારાજગી જોવા મળી રહી છે અને આ બાબતથી ભાજપની નેતાગીરી સારી રીતે વાકેફ છે ત્યારે આ નારાજગીની અસર આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં નડે તે પૂર્વે ભાજપે પાટીદાર સમાજને મનાવવા કાર્યક્રમો ગોઠવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તેવું પણ જાણકારો માની રહ્યા છે.

