કાલાવડમાં 28માંથી 26, જામજોધપુરમાં 27 બેઠક ઉપર કમળ ખિલ્યું, આમ આદમી પાર્ટીનું પણ ખાતું ખુલ્યું
ધ્રોલમાં 15 બેઠકો સાથે ભાજપનું શાસન, કોંગ્રેસને 8 બેઠકો મળી
જામનગર જીલ્લાની જામજોધપુર, ધ્રોલ તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ 14-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.16/02/2025 ના રોજ યોજવામાં આવ્યું હતું. જેની મતગણતરી આજે યોજાઈ હતી. સવારે 9:00 કલાકથી ધ્રોલ નગરપાલિકાની મત ગણતરી પ્રાંત અધિકારીની કચેરી ધ્રોલ ખાતે, કાલાવડ નગરપાલિકાની મત ગણતરી કાલાવડ મ્યુનિસિપલ હાઈસ્કુલ, જામજોધપુર નગરપાલિકાની મત ગણતરી મધ્યસ્થ ખંડ, શ્રી એવીડીએસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, 14-જામવંથલીની મત ગણતરી મામલતદાર કચેરી, જામનગર (ગ્રામ્ય) ખાતે યોજાઈ હતી.
કાલાવડ નગરપાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠકોની મત ગણતરી યોજાઈ હતી, કુલ 7 વોર્ડની 28 બેઠકોની પૈકી એક બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિન હરીફ જાહેર થતા 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયોે છે. જ્યારે બે બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે.
જામજોધપુર નગરપાલિકામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મત ગણતરી યોજાઈ હતી. કુલ 7 વોર્ડની 28 બેઠકો પૈકી 27 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે, જ્યારે વોર્ડ નં.7માં એક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે.
જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ 14- જામવંથલીની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ગંભીરસિંહ જાડેજાને 2591, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ભૂરાલાલ મેઘજીભાઈ પરમારને 393 અને નોટામાં 71 મત મળ્યા હતા.
ધ્રોલમાં ભાજપને ટક્કર આપી કોંગ્રેસ આગળ વધી રહ્યુ છે, આજે બપોરે બારના સમયે જાહેર થયેલી 16 બેઠકમાંથી આઠ બેઠક ભાજપે બાજી મારી છે, જયારે આઠ બેઠક કોંગ્રેસની જીત થઇ છે.
જામનગર જીલ્લાની ત્રણ નગરપાલિકાઓ જામજોધપુર, ધ્રોલ અને કાલાવડ બેઠકનું કુલ 62.95 ટકા મતદાન થયું હતું. તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ 14-જામવંથલી બેઠકનું 43.94 ટકા મતદાન થયું હતું. આ બેઠકોની મત ગણતરીનો સવારથી પ્રારંભ થયો હતો.

