Site icon Gujarat Mirror

ભાજપને સારા, સાચા, નોન કરપ્ટ અને સ્વચ્છ પ્રતિભાની જરૂર નથી: મોરબીના આગેવાનનું રાજીનામુ

32 વર્ષથી જોડાયેલા પૂર્વ કોર્પોરેટરના રાજીનામાથી ચકચાર, અપક્ષમાં ઝૂકાવ્યું

મોરબીમાં ભાજપની સાથે છેલ્લા 32 વર્ષથી જોડાયેલ આગેવાન દ્વારા આજે તેના સભ્ય પદ ઉપરથી રાજીનામું આપવામાં આવ્યું છે અને પોતાના રાજીનામમાં લખ્યું છે કે, ભાજપને સાચા, સારા, નિષ્ઠાવાન, નોન કરપ્ટ અને સ્વચ્છ પ્રતિભાવાન કાર્યકરોની જરૂૂરીયાત ન હોય તેવું મને લાગે છે. માટે રાજીનામું આપ્યું છું.

મોરબી નગર પાલીકાના વોર્ડ નં-11 ના માજી કાઉન્સીલર હર્ષદભાઈ મોતીભાઈ કંઝારીયાએ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખને લેખિતમાં ભાજપના સભ્યપદેથી રાજીનામું આપી દીધેલ છે જેમાં જણાવ્યુ છે કે, હું છેલ્લા 32 વર્ષથી ભાજપની સાથે જોડાયેલ છું. અને અમારા સતવારા સમાજને ભાજપ સાથે જોડવામાં અમુલ્ય યોગદાન આપેલ છે. અને હાલ મારી ઉમર 59 વર્ષ છે અને ખરેખર હવે ભાજપને સાચા, સારા, નિષ્ઠાવાન, નોન કરપ્ટ અને સ્વચ્છ પ્રતિભાવાન કાર્યકરોની જરૂૂરીયાત ન હોય તેવું મને લાગે છે.

કારણ કે આયાતી તેમજ બેથી પાંચ વર્ષથી પાર્ટીમાં આવેલ લોકોને જો ટીકીટ અને સારા હોદા મળતા હોય અને મારા જેવા સીનીયર કાર્યકર્તાને જો ટીકીટ ન મળતી હોય તો મને એવું લાગે છે કે વિશ્વની મહાન પાર્ટીને મારા જેવા સનિષ્ઠ કાર્યકર્તાની જરૂૂરીયાત નથી એટલે મારા ભાજપના સભ્ય નં. 7009548535 છે અને હું મારા સભ્ય પદ ઉપરથી મારુ રાજીનામું આપું છું. ઉલેખનીય છે કે, હર્ષદભાઈ મોતીભાઈ કંઝારીયાએ મહાપાલિકા માટે ટિકિટની દાવેદારી કરી હતી અને તેઓને પક્ષ તરફથી ટિકિટ આપવામાં આવેલ નથી જેથી તેઓએ મહાપાલિકાના વોર્ડ નંબર 10 માંથી અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

Exit mobile version