ટીમ ઈન્ડિયાના ક્રિકેટ ચાહકો માટે એક ભાવુક અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રહાણેએ કહ્યું કે હવે તેમના માટે આગળ વધવાનો આ જ યોગ્ય સમય છે. રહાણેએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પાછલી સીઝનમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ની કેપ્ટનશીપ કરી હતી, પરંતુ તે હવે આ T20 લીગમાં પણ રમશે નહીં. તેણે સ્પષ્ટપણે કહ્યું કે તે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે.
અજિંક્ય રહાણેએ સોશિયલ મીડિયા મારફતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. લગભગ દોઢ દાયકાથી વધુ સમય સુધી ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરનાર રહાણે હવે ભારતની જર્સીમાં રમતા જોવા નહીં મળે.
38 વર્ષીય રહાણેએ લખ્યું, “કેપ નંબર 278—, હવે અહીજ વિરામ. વર્ષોથી પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર. હું હંમેશા આભારી રહીશ.” આ સંદેશ દ્વારા, તેણે તેના ચાહકો, સાથી ખેલાડીઓ, કોચ અને ભારતીય ક્રિકેટ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો.
સંન્યાસ પછી પોતાની ભવિષ્યની યોજનાઓ પર વાત કરતા રહાણેએ સ્પષ્ટ કર્યું કે રમત સાથે તેમનો પ્રવાસ સમાપ્ત થયો નથી. તેણે કહ્યું, એક ભારતીય ક્રિકેટર તરીકે મારો અધ્યાય ભલે સમાપ્ત થઈ રહ્યો હોય, પરંતુ આ રમત સાથે મારી યાત્રા ચાલુ રહેશે. હું આગળની પેઢીને મદદ કરવા, આ રમતમાંથી શીખેલા મૂલ્યોને વહેંચવા અને તે રમતને પાછું આપવા માટે ઉત્સુક છું જેણે મને બધું જ આપ્યું છે.
અજિંક્ય રહાણેએ ભારત માટે 85 ટેસ્ટ, 90 ODI અને 20 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્રણેય ફોર્મેટમાં, તેણે 35.95 ની સરેરાશથી 8,414 રન બનાવ્યા હતા. આ સમય દરમિયાન, તેણે 15 સદી અને 51 અડધી સદી નોંધાવી હતી. IPLમાં, રહાણેએ કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રહાણેએ 212 IPL મેચોમાં 30.15 ની સરેરાશથી 5,367 રન બનાવ્યા હતા. તેણે IPLમાં બે સદી અને 35 અડધી સદી ફટકારી હતી.

