બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાનું આંજે સવારે લાંબી બીમારી બાદ અવસાન થયું. ખાલિદાએ સંસદીય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો એક દિવસ પહેલા જ ભર્યા હતા. તેમ 12 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે.
બેગમ ખાલિદા ઝિયા ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હાલમાં જ તેમના પુત્ર વર્ષો બાદ બાંગ્લાદેશ પરત ફર્યા હતા. બાંગ્લાદેશ નેશનલ પાર્ટીએ X પર પોસ્ટ કરી જણાવ્યું, કે આજે ફજરની નમાઝ બાદ સવારે 6 વાગ્યે ખાલિદા ઝિયાએ અંતિમ શ્વાસ લીધા.
ખાલિદા ઝિયાને લીવર, ડાયાબિટીસ તથા હૃદય રોગની બીમારી હતી અને છેલ્લા દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમના નિધન બાદ હવે BNPની કમાન તેમના પુત્ર તારિક રહેમાનના હાથમાં રહેશે. તેઓ અત્યાર સુધી કાર્યકારી પ્રમુખ તરીકે કામ કરી રહ્યા હતા.
ખાલિદા ઝિયા દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન હતા. જોકે તેમણે ભ્રષ્ટાચારના અનેક કેસોનો સામનો કર્યો હતો, તેમણે આ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને સતત નકારી કાઢ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં, જાન્યુઆરી 2025 માં, સુપ્રીમ કોર્ટે તેમની સામેના છેલ્લા ભ્રષ્ટાચારના કેસમાં તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. આ નિર્ણયથી તેમને આગામી વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો. જોકે, ઉમેદવારી પત્રો ભર્યા પછી તેમનું અવસાન થયું.
ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા છેલ્લે 21 નવેમ્બરના રોજ ઢાકા કેન્ટોનમેન્ટમાં બાંગ્લાદેશ આર્મીના વાર્ષિક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા, જ્યાં તેઓ વ્હીલચેર પર બેઠેલા હતા અને બીમાર દેખાતા હતા. તેમના પરિવારમાં તેમના મોટા પુત્ર તારિક રહેમાનનો સમાવેશ થાય છે, જ્યારે તેમના નાના પુત્ર અરાફાતનું 10 વર્ષ પહેલાં 2015માં અવસાન થયું તારિક રહેમાન 17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત આવ્યા છે.

