Site icon Gujarat Mirror

વર્લ્ડ કપમાં ન રમવાથી બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધનો ખતરો

બાંગ્લાદેશે પોતાની જીદમાં આવીને ભારતની યજમાનીમાં રમાઈ રહેલા ટી20 વિશ્વકપનો બહિષ્કાર કર્યો છે. કટ્ટરપંથીઓની ભારત વિરોધી ભાવનાઓને સંતોષવા માટે ત્યાંની સરકારે ક્રિકેટ ટીમના સપનાનું બલિદાન આપી દીધું. આ નિર્ણયથી સૌથી વધુ નુકસાન બાંગ્લાદેશી ખેલાડીઓને થયું છે, જેઓ હવે પોતાની લાચારી વ્યક્ત કરી રહ્યા છે. બાંગ્લાદેશના સ્પોર્ટ્સ એડવાઈઝર આસિફ નઝરુલે જ્યારે આ બહિષ્કાર માટે ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા, ત્યારે ક્રિકેટરોનો ગુસ્સો અને દુ:ખ સામે આવ્યું હતું. બાંગ્લાદેશી અખબાર ‘ડેઇલી સ્ટાર’ સાથે વાત કરતા એક ખેલાડીએ નામ ન આપવાની શરતે કહ્યું, આ રમુજી (ફની) હતું.

તમે સાંભળ્યું જ હશે કે તેમણે શું કહ્યું? અમે લાચાર છીએ, આમાં અમારો કોઈ હાથ નથી. શરૂૂઆતમાં નઝરુલે કહ્યું હતું કે, ટી20 વર્લ્ડ કપમાં ન રમવાનો નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓ દ્વારા લેવામાં આવ્યો હતો. તેમણે દેશની ગરિમા અને સુરક્ષા માટે પોતાની કુરબાની આપી છે. આ નિવેદન બાદ ખેલાડીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો કારણ કે નિર્ણય સરકારનો હતો અને દોષ ખેલાડીઓ પર મઢવામાં આવ્યો હતો.

વર્લ્ડ કપમાં ન રમવાને કારણે બાંગ્લાદેશી ખેલાડીઓને મોટું આર્થિક નુકસાન થયું છે, સાથે જ તેમના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. હવે નઝરુલ ખેલાડીઓના વખાણ કરી રહ્યા છે કે તેમણે ‘રાષ્ટ્રીય સુરક્ષા’ માટે આ નિર્ણયનું સમર્થન કર્યું છે, પરંતુ હકીકત એ છે કે ખેલાડીઓ પાસે સરકારના આદેશ સામે બીજો કોઈ વિકલ્પ નહોતો.

Exit mobile version