Site icon Gujarat Mirror

સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસ પરત નહીં ખેચાય

વીંછિયામાં કોળી સમાજના સંમેલન પૂર્વે કુંવરજી બાવળિયા અને કોળી અગ્રણીનો ઓડિયો વાઇરલ

રાજકોટના વીંછીયામાં 9 માર્ચ, 2025ના રોજ કોળી સમાજનું મહાસંમેલન મળનાર છે. સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન ગુજરાત દ્વારા સંમેલન આયોજિત કરાયું છે. જેમાં કોળી અને ઠાકોર સમાજના કેસો પરત ખેંચવા, યુવાનોનું આર્થિક રીતે શોષણ બંધ કરવા, બહેન દીકરીઓ પર અત્યાચાર બંધ કરવા, સમાજના યુવાનોની હત્યા બંધ કરો, સમાજને સંપૂર્ણ બંધારણીય હક આપવા સંમેલનમાં માંગ કરવામાં આવનાર છે. ત્યારે આ વચ્ચે કોળી સમાજના આગેવાન મનુભાઈ અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો ઓડિયો વાયરલ થયો છે.

ગુજરાત સરકારે પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોમાં મોટો નિર્ણય લીધો છે. પાટીદાર અનામત આંદોલન સમયે જે પણ પાટીદાર સમાજના આગેવાનો સામે કેસ થયા હતા ત્યારે તે કેસ છે તે પરત સરકાર દ્વારા ખેંચવામાં આવ્યા છે. આ માહિતી સામે આવતા જ કોળી સમાજ પણ વિંછીયા પથ્થરમારામાં કેસમાં તમામ લોકોના કેસ પરત ખેંચવા આવે તેવી માંગ સાથે ફેસબુક પોસ્ટ મૂકી વાયરલ કરવામાં આવી હતી. કોળી સમાજનું કહેવું છે કે પાટીદાર સમાજના કેસો પાછા ખેંચાયા તો કોળી સમાજના કેસો કેમ નહીં.

તાજેતરમાં વીંછીયામાં ઘનશ્યામ રાજપરાની હત્યાને લઈને મોટી સંખ્યામાં વિછીયા પોલીસ સ્ટેશનમાં લોકો એકત્ર થયા હતા. તે દરમિયાન પોલીસ પર પથ્થરમારાને લઈને 84 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ પરત ખેંચવામાં આવે તેવી પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ સહિતના અનેક કોળી સમાજના આગેવાનોની માંગણી કરી રહ્યાં છે.

વીંછીયા પોલીસ ઉપર પથ્થર મારાના કેસ પરત ખેંચવા મુદ્દે કોળી સમાજના મનુ ભાઈ અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયોમાં કુંવરજી કહી રહ્યાં છે કે, પથ્થર મારામાં 84 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. એક સાથે 63 લોકો આપણે જામીન કરાવ્યા. ગૃહમંત્રી અને મુખ્યમંત્રી બધું જાણે જ છે. આપણે કાયમ ખટપટનું ચાલુ રાખશું તો વિકાસના કામોમાં અસર થશે. સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું માનતા નહિ. સંમેલન કરવાથી બધું બગડશે, મને કાઈ રાજકીય નુકશાની થવાની નથી, મારે અઢી વર્ષ ચૂંટણી લડવી નથી, સંમેલન કરે તેમ મને કોઈ વાંધો નથી, હું હાથ ઊંચા કરી લઈશ એટલે કાઈ થશે નહીં.
કુંવરજીએ આગળ કહ્યું કે, તમે સંમેલન કરીને મારી સામે ધૂળ ઉડાડો એટલે કેસો પાછા ખેંચાશે નહિ. પછી સરકાર જે કરે તે એમાં હું ક્યાંય ભાગ નહિ લઉં, જેમ થતું હશે એમ થવા દઈશ. મંત્રી તરીકે મારી કોઈ જવાબદારી નથી. કોલેજના વિદ્યાર્થીઓ કેસમાં હોવાથી રસ લઉ છું. હજુ પોલીસ સામે પણ પગલાં આપણે લેવડાવવા હતા, પરંતુ ધૂળ ઉડાડવાથી કાઈ નહીં થાય.

Exit mobile version