Site icon Gujarat Mirror

સોની બજારમાં કારીગરે 17.50 લાખના સોનાની ચોરી કરી

કારીગરોને ઘાટ બનાવવા આપેલા સોનામાં ઘટ હોવાનું જાણવા મળતા ચોરીની ઘટના CCTVમાં કેદ: વેપારીએ કારીગરને પકડી પોલીસને સોંપતા ફરિયાદ નોંધાઇ

રાજકોટમાં આવેલી સોની બજારમાં વધુ એક બંગાળી કારીગર સોની વેપારીનુ સોનુ લઇ ફરાર થઇ ગયો છે. આ અંગે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં વેપારીએ અલગ – ઓગ દસ જેટલા કારીગરોને સોનાના ઘાટ બનાવવા સોનુ આપ્યું હતું જેમાંથી એક બંગાળી કારીગર 17.50 લાખનુ 240 ગ્રામ સોનુ લઇ ગયાની એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી છે. જો કે ફરિયાદીએ આરોપીને પકડી પોલીસને સોંપ્યો હતો.


બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, જાગનાથ પ્લોટમાં શીવ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા સોની વેપારી નીરજભાઇ ગીરીશભાઇ ધાનક (ઉ.વ. 42) નામના વેપારીએ પોતાની ફરિયાદમાં મુળ બંગાળના અને હાલ રામનાથપરા સાગોર હુસેન મીનરલનુ નામ આપતા તેમની સામે સોનાની ચોરી અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી નિરજભાઇ એ ફરિયાદમાં જણાવ્યું હતુ કે તેમની પ્રહલાદ મેઇન રોડ પર ગરબી ચોક પાસે ધાનક હાઉસ જી.કે.ડી જવેલર્સ પ્રા. લી નામનુ સોનાનાં દાગીના બનાવવાનુ કારખાનુ આવેલું છે. ત્યા બેસી નીરજભાઇ ધાનક વેપાર કરે છે. તેમના કારખાનામાં 40 જેટલા કારીગર કામ કરે છે.


આ કારખાનામાં દોઢેક વર્ષથી બંગાળનો અને હાલ રામનાથપરામાં રહેતો સાગોર હુસેન મીનરલ પણ કામ કરે છે. તા. 0410 થી 02/12 સુધીના સમયે બંગાળના નવ કારીગરોનેસોનાના દાગીનાના જુદા-જુદા ઘાટ બનાવવા માટે સોનુ આપ્યુ હતુ. જેમાં એસ. કે. મહીદુલને 3540.868 ગ્રામ, સબીર હુસેનને 1210.440 ગ્રામ, એસ. કે. તોફીકને 1701.3340 ગ્રામ, એસ. કે. જામીરઅલી 166.080 ગ્રામ, સાગોર હુસેનને 2640.050 ગ્રામ, શેખ હસુમદીને 1457.110 ગ્રામ, યુસુબ અલીને 1837.0460, અરૂણભાઇને 852.790 ગ્રામ અને સંદીપનને 468.430 ગ્રામ જેટલુ સોનાના જુદા – જુદા ઘાટ બનાવવા માટે સોનુ આપ્યુ હતું.


ગઇ તા. 1/12ના રોજ સવારે કારીગર દિપકનો કોલ આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતુ કે, યુસુબ અલીને કામ આપ્યુ તેમાંથી અઢી ગ્રામ સોનુ ઘટે છે અને કોઇએ ચોરી કરી છે ત્યારબાદ સીસીટીવી ચેક કરતા ત્યા કામ કરતો સાગોર હુસેન છેલ્લા બે મહિનાથી ચોરી કરતો હતો તેમણે રૂા. 17.50 લાખનુ 240 ગ્રામ સોનુ ચોરી કર્યાની કબુલાત આપતા તેમને પકડી પોલીસ મથકે લાવી પોલીસને સોંપ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસનાં પીએસઆઇ એચ. એન. જેઠવા અને સ્ટાફે તપાસ શરૂ કરી આરોપીને ઝડપી લીધો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે સોની બજારમાં દુકાન ધરાવતા ઉકીન નામના વેપારીનુ 91 ગ્રામ રૂ. 6.80 લાખનુ સોનુ લઇ તેનો કારીગર વતનમાં જતો રહયો હતો આ બારામાં વેપારીએ પોલીસ કમિશનરને તા. 7/10 ના રોજ અરજી કરી હતી આ મામલે એ ડીવીઝન પોલીસે કોઇ ફરિયાદ નહી નોંધી હોવાનુ જાણવા મળી રહયુ છે.

કારીગરોનું પોલીસ મથકમાં રજિસ્ટ્રેશન કરાવવા અપીલ
સોની બજારમાં વેપારીઓનુ સોનુ લઇ કારીગરો ફરાર થતા હોવાની અનેક ફરિયાદો પોલીસમાં નોંધાઇ છે આ મામલે એ ડીવીઝન પોલીસના પી આઇ બારોટે જણાવ્યુ હતુ કે બંગાળી કારીગરોનુ પોલીસ મથકમાં રજીસ્ટરેશન કરાવવા અપીલ કરવામાં આવી છે.

Exit mobile version