ક્રાઇમ
સોની બજારના વધુ એક વેપારીનું 6.80 લાખનું સોનું લઇ કારીગર રફુચકકર
સોની બજારમાં વધુ એક વેપારીનુ સોનુ લઇ કારીગર ફરાર થઇ ગયો હોવાનુ એ ડિવીઝન પોલીસ મથકમાં લેખિત ફરીયાદ નોંધાઇ હતી. જેમાં સોની બજારમાં માંડવી ચોક અમુભાઇ આર્કેડમાં દુકાન ધરાવતા ઉડ્ડીન જસિમ નામના બંગાળી સોની વેપારીએ તેમના સાઢુભાઇ રહીસુલ સદીદુલ ઇસ્લામ વિરુધ્ધ રૂ. 6.80 લાખની છેતરપીંડીની કર્યાની અરજી એ ડિવીઝન પોલીસમાં આપી હતી. આ ગુનામાં એ ડિવીઝન પોલીસ મથકના સ્ટાફ આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ સોની વેપારી ઉડ્ડીન જસિમે ફરિયાદમાં આક્ષેપો સાથે જણાવ્યુ હતુ કે પોતે છેલ્લા બે વર્ષથી વેપારીઓનુ સોનુ લઇ દાગીના બનાવી મજુરી કામ કરે છે. તેમને ગયા ફેબ્રુઆરીમાં તેમના સાઢુભાઇ રહીસુલ જે બેરોજગાર હોય તેઓ પોતાને કામે રાખવા માટે વિનંતી કરતા હતા. તેમજ સગ્ગાવહાલા સાથે વાતચીત કર્યા બાદ સાઢુભાઇ રહીસુલભાઇએ વેપારી ઉડ્ડીને પોતાની દુકાને જોબવર્ક માટે રાખ્યા હતા. તેઓને દુકાને રાખ્યા ત્યારે વેપારીએ એ ડિવીઝન પોલીસ મથકમાં સરકારી ગાઇડલાઇન મુજબ નોંધણી કરાવી હતી.
તેમજ ગઇ તા. 31-7 ના રોજ ઓર્ડર મુજબ આવેલુ સોનુ સાઢુભાઇને કામ કરવા માટે આપ્યુ હતુ. તેમના 8 દિવસ બાદ આ સોનાનુ કામ તેઓએ દુકાનમાં જમા કરાવતા તેમાંથી રૂપિયા 6.80 લાખનુ 91.60 ગ્રામ સોનુ ઓછુ હોવાનુ જણાયુ હતુ.
જેથી તેમને વેપારીએ પુરેપુરૂ સોનુ જમા કરવા જણાવ્યુ હતુ. જેથી આરોપી રહીસુલે તેમનાથી સોનુ ખોવાઇ ગયુ હોવાનુ બહાનુ બતાવ્યુ હતુ અને તેમને પાંચ દિવસમાં પરત આપી દઇશ તેવો વાયદો કર્યો હતો. ત્યારબાદ તેમણે પિતાજીને હાર્ટની સર્જરી કરાવવાની છે તેમ કહી કોલકતા જવુ પડશે તેમ વેપારીને જણાવી કોલકતા જતો રહયો હતો. આ ઘટના અંગે વેપારીએ તેમના સબંધીઓમાં તપાસ કરાવતા આરોપી રહીસુલના પિતાજીને કોઇ હાર્ટ સમસ્યા નહી હોવાનુ જાણવા મળ્યુ હતુ અને તેમને ફોન કરતા તેમણે સોનુ પરત આપી દેવાની વાત કરી ફોન ઉપાડવાનુ બંધ કરી દીધુ હતુ. આ અંગે વેપારીએ એ ડિવીઝન પોલીસ મથકમાં લેખિત અરજી આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.