ક્રાઇમ
ભાવનગરના સનેસ ગામે પિતરાઈ ભાઈઓ વચ્ચે સશસ્ત્ર અથડામણ
ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા, સામ સામે ફરિયાદ નોંધાઈ
ભાલના સનેસ ગામમાં શેરીમાં કાર મુકવા બાબતે સનેસના વતની ભાવનગરમાં રહેતા દંપતી ઉપર પિતરાઈ ભાઈઓના પરિવાર વચ્ચે હથિયારો વડે અરમારી થતા દંપતી સહિતનાને ઈજા થઈ હતી. આ બનાવ અંગે વેળાવદર ભાલ પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાલના સનેસ ગામના વતની અને હાલ ભાવનગરના કુંભારવાડા, અક્ષર પાર્ક, શીતળા માતાના મંદિર પાસે રહેતા રત્નકલાકાર ગુલાબભાઈ રાઘવભાઈ બારૈયાને સનેસ ગામમાં આવેલ તેમના મકાનના રસ્તા બાબતે તેમના કાકાના દીકરાઓ સાથે છેલ્લા 20 વર્ષથી માથાકૂટ ચાલતી હોય, ગઈકાલે ગુલાબભાઈ તેમના પત્ની ગીતાબેન અને દીકરો હરેશભાઈ કાર લઈને સનેસ ગામના સ્મશાનમાં આવેલ મેલડી માતાના ઉત્સવમાં ગયા હતા અને તેમની કાર તેમના ઘર પાસે મુકતા તેમના કાકાના દીકરા ભદ્રેશભાઈએ કાર મૂકવા બાબતે બોલાચાલી અને ઝઘડો કરતા ભદ્રેશભાઈ બાબુભાઈ બારૈયા, મુકેશભાઈ બાબુભાઈ બારૈયા, રાજુભાઈ પોપટભાઈ બારૈયા અને શૈલેષભાઈ મુકેશભાઈ બારૈયાએ ગુલાબભાઈ અને તેના પત્ની ગીતાબેનને લાકડાનો ધોકો, પાઇપ, લોખંડની ડોલ વડે માર મારીને ઈજા પહોંચાડતા બંનેને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,જ્યારે સામાપક્ષે ગુલાબભાઈ તેમના પત્ની ગીતાબેન દીકરો હરેશભાઈ અને જમાઈ શૈલેષભાઈએ મળતો હુમલો કરી સાયકલનો કાંકરે લાકડાના ધોખા વડે માર મારતા બે મહિલા કંકુબેન તેમજ સંગીતાબેન ને સામાન્ય ઇજા થઈ હતી.
આ બનાવ અંગે ગુલાબભાઈ બારૈયા એ તેના પિતરાઈ ભાઈઓ ભદ્રેશ બાબુભાઈ બારૈયા, મુકેશ બાબુભાઈ બારૈયા, રાજુ પોપટભાઈ બારૈયા અને શૈલેષ મુકેશભાઈ બારૈયા રહે.તમામ સનેસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે,જ્યારે ભદ્રેશભાઈ બાબુભાઈ બારૈયાએ તેમના પિતરાઈ ભાઈ ગુલાબભાઈ રાઘવભાઈ બારૈયા ગીતાબેન ગુલાબભાઈ બારૈયા હરેશભાઈ ગુલાબભાઈ બારૈયા અને ગુલાબભાઈ ના જમાઈ શૈલેષભાઈ રહે તમામ ભાવનગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વેળાવદર ભાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.