150 ફૂટ રિંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા 17 વર્ષીય સગીર દીક્ષિતભાઈ જગદીશભાઈ ટિબડિયા ગત રાત્રે 11:00 વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હાજર હતા, ત્યારે તેમના જ મિત્ર આનંદ નામના શખ્સે આવીને કોઈ કારણોસર ઝઘડો શરૂૂ કર્યો હતો. આ વિવાદ જોતજોતામાં ઉગ્ર બન્યો હતો અને આવેશમાં આવી આનંદે પોતાની પાસે રહેલી છરી વડે દીક્ષિત પર ઉપરાઉપરી ત્રણ ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં દીક્ષિતને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ હુમલા પાછળનું કારણ તપાસતા સામે આવ્યું છે કે આરોપી આનંદ અને દીક્ષિત વચ્ચે અગાઉ મોબાઈલ ફોન બાબતે કોઈ ઉગ્ર બોલાચાલી કે ઝઘડો થયો હતો. તે સમયે થયેલા ઝઘડાનો ખાર મનમાં રાખીને આરોપીએ કાવતરું ઘડી સગીર વયના મિત્ર પર જીવલેણ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે. હાલ પોલીસે આ મામલે હોસ્પિટલ પહોંચી દીક્ષિતની પૂછપરછ હાથ ધરી હુમલાખોર આનંદ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂૂ કરી છે.
અન્ય એક બનાવમાં પણ મારામારીની ઘટનામાં એક યુવાન ઘાયલ થયો છે. સાઈબાબા સર્કલ પાસે પેટ્રોલ પંપ નજીક માલધારી ફાટક પાસે રહેતા 25 વર્ષીય મોનુ મુસ્તાકભાઈ ખાન પર રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. મોનુ પોતાના રહેણાંક વિસ્તારની આસપાસ હાજર હતો ત્યારે અચાનક કેટલાક અજાણ્યા માણસો ત્યાં આવી ચડ્યા હતા અને કોઈ પણ કારણ વગર તેની સાથે ઝઘડો કરી ગાળાગાળી શરૂૂ કરી હતી. વાત આગળ વધતા આ શખ્સોએ પોતાની પાસે રહેલા લાકડાના ધોકા વડે મોનુ પર તૂટી પડ્યા હતા અને તેને બેરહેમ માર માર્યો હતો.અજાણ્યા શખ્સોના આ હુમલામાં મોનુ ખાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને પણ સારવાર માટે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હુમલાખોરો કોણ હતા અને કયા કારણોસર આ હુમલો કરવામાં આવ્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
