Site icon Gujarat Mirror

પુરાતત્ત્વ વિભાગની મિલકતો જપ્ત, ભારે ખળભળાટ

ધોળાવીરામાં 125 એકર જમીન સંપાદન બાદ ખેડૂતોને વળતર ચૂકવવામાં અખાડા કરતા કોર્ટની લાલઆંખ

કચ્છના ઐતિહાસિક સ્થળ ધોળાવીરા ખાતે આર્કિયોલોજિસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ 125 એકર જમીન સંપાદન બાદ ખેડૂતોને લાંબા સમયથી વળતર ન ચૂકવતા અંતે કોર્ટે કડક વલણ અપનાવી રાજકોટ ખાતે રહેલી જૂની કલેકટર ઓફિસ કંપાઉન્ડમાં રહેલી વિભાગની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ કર્યો હતો, જેને લઇ આજે કોર્ટના અધિકારીઓ તેમજ ખેડૂતો અને વકીલો દ્રારા વિભાગની ગાડીઓ, ફર્નિચર અને કોમ્પ્યુટર જેવી મિલકતો જપ્ત કરવા પહોંચતા દોડધામ મચી ગઈ હતી અને કચેરીનો સર સામાન જપ્ત કરી લેવામાં આવતા સ્ટાફ લાચાર બની ગયો હતો. ધોળાવીરામાં પ્રવાસન અને સંશોધનના હેતુથી ભારતીય પુરાતત્વવિદ દ્વારા 125 એકર જમીન સંપાદિત કરવામાં આવી હતી.

જોકે, આ જમીન સામે ખેડૂતોને પૂરતું વળતર મળ્યું નહોતું. ન્યાયની આશાએ ખેડૂતોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. 31 જુલાઈ 2023ના રોજ ભચાઉ કોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી વધુ વળતર મંજૂર કર્યું. અમલી કરણનો અભાવે કોર્ટના આદેશ છતાં વિભાગ દ્વારા નાણાંની ચૂકવણી કરવામાં આવી નહોતી.

વિભાગ આ મામલાને હાઈકોર્ટમાં લઈ ગયું હતું, પરંતુ ત્યાં પણ તેમને નિષ્ફળતા મળી હતી. હાઈકોર્ટે વિભાગની આકરી ઝાટકણી કાઢતા સવાલ કર્યો હતો કે, “ખેડૂતોને હજુ સુધી વળતર કેમ ચૂકવવામાં આવ્યું નથી?” આ સાથે જ કોર્ટે વિભાગને રૂૂપિયા 1 લાખનો દંડ પણ ફટકાર્યો હતો.હાઈકોર્ટના કડક વલણ બાદ આજે રાજકોટ સિવિલ કોર્ટે અધિકારીઓ ભારતીય પુરાતત્વવિદ વિભાગની ગાડીઓ, ફર્નિચર અને કોમ્પ્યુટર જેવી મિલકતો જપ્ત કરવાના આદેશ જારી કર્યા હતા જેના પગલે આજે પુરાતત્ત્વ વિભાગની કચેરીમાંથી ખુરશી ટેબલ સહિતની મિલકતો જપ્ત કરી લેવામાં આવી હતી.

નામદાર કોર્ટના આદેશ મુજબ આજે જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવવી હતી. કોર્ટના અધિકારીઓ અને વકીલો કચેરીએ પહોંચ્યા હતા, ત્યારે કચેરી દ્વારા તાત્કાલિક વળતર ચૂકવવાની ખાતરી આપી હતી પરંતુ વળતર ચુકવી શકેલ નહીં તેથી આ જપ્તી કરવામાં આવી હતી.

Exit mobile version