જામનગર શહેરમાં આધાર કાર્ડની કામગીરીને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને લઈને જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ જિલ્લા કલેક્ટરને એક આવેદન આપ્યું છે. આવેદનમાં તેમણે જણાવ્યું છે કે જામનગર શહેરમાં સંખ્યાબંધ આધાર કેન્દ્રો હોવા છતાં મોટા ભાગના કેન્દ્રોમાં સર્વર બંધ હોવા અને લીંક ન મળતી હોવાના કારણે આધાર કાર્ડની કામગીરી થઈ શકતી નથી. જેના કારણે લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે.
આ ઉપરાંત કોર્પોરેટરએ એમ પણ જણાવ્યું છે કે જ્યારે જ્યારે આધાર કાર્ડની કામગીરી ચાલુ હોય છે ત્યારે આ સંજોગોમાં સરકારી અને ખાનગી બેન્કોમાં ખૂબ જ ઓછા ટોકન આપવામાં આવે છે. આ ઉપરાંત મહાનગરપાલિકાના આધાર કેન્દ્રમાં તેમજ સેવાસદન માં આધાર કાર્ડ ની પ્રક્રિયા માટે જે ટોકન આપવામાં આવે છે તેની સંખ્યા ખૂબ ઓછી છે. આ ટોકનોની સંખ્યા સામે પ્રક્રિયા માટે આસપાસના ગામડે થી અને શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રીક્ષા ભાડા ખર્ચીને વહેલી સવારથી પોતાના વારા માટે આવી જતા વૃદ્ધો તેમજ નાના બાળકોના વાલીઓ, ગૃહિણીઓની સંખ્યા ઘણી વધુ છે. કોર્પોરેટરે જિલ્લા કલેક્ટરને વિનંતી કરી છે કે આ સમસ્યાનું યથાશીઘ્ર નિરાકરણ લાવવામાં આવે. તેમણે એમ પણ જણાવ્યું છે કે કેટલાક કેન્દ્રોમાં માનવતાના ધોરણે વધુ લોકોના કામો થાય છે છતાં તમામ કેન્દ્રો દ્વારા 11 અને 40 ટકોનોની મર્યાદા ને દૂર કરીને સવારથી રાત સુધી વહેલા તે પહેલાના ધોરણે કામગીરી થાય, તેમજ લોકો પહેલેથી ખર્ચ કરીને આવતા હોવાથી ફેરફાર સહિતની કામગીરી નિ:શુલ્ક ધોરણે થાય તે માટે યોગ્ય કરવા અમારી માગણી છે.