ગુજરાત
સિવિલમાં અર્ધનગ્ન મળેલા દર્દીના બનાવમાં કસૂરવારોના લખાવાયા માફીપત્રો
સુધરી જાઓ, બેદરકારીનું પુનરાવર્તન હવે નહીં ચલાવાય: ડો.હેતલ કયાડા
તપાસ સમિતિએ રિપોર્ટ ડીનને મોકલ્યા બાદ ડીન દ્વારા તબીબો-સ્ટાફને સુધરવાની આપી તક
રેસિડેન્ટ ડોકટર, 3 નર્સિંગ સ્ટાફ અને 4 ચોથા વર્ગના કર્મચારીઓ પાસે માફીપત્રો લખાવાયા
શહેરની સિવિલ હોસ્પીટલમાં અર્ધનગ્ન હાલતમાં મળેલા દર્દીના બનાવમાં અંતે ફરજમાં બેદરકારી દાખવનાર તબીબો સહીતનાં સ્ટાફ પાસેથી માફી પત્રો લખાવી, કડક ચેતવણી આપી હવે પછી ફરજ પ્રત્યે સુધરી જવાની તક આપવામાં આવી છે. જો કે બેદરકારીનું પુર્નરાવર્તન થશે તો શિક્ષાત્મક પગલા- સજા માટે પણ તૈયાર રહેવા ચેતવણી આપવામાં આવી છે.
બનાવની વિગતો મુજબ શહેરની સિવિલ હોસ્પીટલમાં તાજેતરમાં ઇજાગ્રસ્ત મનોજ ઉધ્ધવ નામના પરપ્રાંતીય દર્દીને સર્જરી વોર્ડમાં દાખલ કરાયો હતો. પણ કોઇ કારણોસર આ દર્દી બીજે દિવસે વોર્ડ બહાર, લોબીમાંથી અર્ધનગ્ન હાલતમાં મળ્યાની ઘટના અખબારોમાં પ્રસિધ્ધ થતાં સિવિલના જવાબદાર તબીબી અધિક્ષક સહીતના સત્તાધીશો દોડતા થઇ ગયા હતા.
જો કે આ વાતમાં ‘વા વાયો ને નળીયુ ખસ્યુ’ જેવી વાત સાબીત થતાં એટલે કે આ દર્દીએ જ તબીબી સ્ટાફ સાથે રકઝક કરી, બબાલ વચ્ચે પોતાની રીતે લોબીમાં સુઇ રહ્યો હોવાનું તપાસ કમીટીની તપાસમાં બહાર આવ્યું હતું.જો કે આ ઘટના વિશે વધુ માહિતી આપતા નાયબ તબીબી અધિક્ષક ડો.હેતલ કયાડાએ ‘ગુજરાત મિરર’ને જણાવ્યું હતું કે, મનોજ ઉધ્ધવ નામના દર્દીની ઘટના બાદ સત્ય જાણવા પાંચ સભ્યોની તપાસ સમિતિ બનાવાઇ હતી.તપાસ સમિતિએ બનાવના દિવસે ફરજ પરના રેસીડેન્ટ ડોકટર, નર્સિંગ સ્ટાફ, આયા ભાઇ-બહેન અને પટ્ટાવાળાનાં નિવેદનો લઇને બનાવને જાણ્યો હતો. પણ હોસ્પીટલનાં સીસી કેમેરાના ફુટેજે આક્ષેપોનો નકાબ ચીરી વાસ્તવીકતા બતાવ્યાનો રીપોર્ટ મેડીકલ કોલેજના ડિનને મોકલી આપ્યો હતો.
જે રીપોટર જોઇ જાણીને ડીન દ્વારા ઘટના સંબંધીત ફરજ પરના તબીબો કે સ્ટાફને એક વખત સુધરી જવાની તક આપી માફી પત્રો લખાવવાનો ડિન દ્વારા તબીબી, નાયબ તબીબી અધિક્ષકને હુકમ થયો હતો. આવા આદેશ અન્વયે આગળની કાર્યવાહી કરીને હાલ પુરતું આ પ્રકરણને તપાસની બાબતે સમાપ્ત કરાયું છે.
કોની કોની પાસે લખાવાયા માફીપત્રો?
ડો.હેતલ કયાડાએ ગુજરાત મિરરને જણાવ્યું હતું કે મનોજ ઉધ્ધવ નામના દર્દી સાથેની ઘટનામાં જેઓની બેદરકારી બહાર આવી છે તેમાન બે રેસીડેન્ટ ડોકટર, ત્રણ નર્સિંગ સ્ટાફ અને આયા બહેન સહીત ચાર ચોથા વર્ગના કર્મચારીઓ પાસે ફરજમાં બેદરકારીથી દુર રહી જવાની ચેતવણી આપીને માફીપત્રો લખાવાયા છે. જો કે કોઇ તબીબી કે સ્ટાફ બેદરકારીનું પુર્નરાવર્તન કરશે તો કડક સજા ભોગવવા તૈયાર રહેવાની પણ તાકીદ કરાઇ છે.