જામનગરમાં ગત તા.3 જાન્યુઆરીના રોજ યોજાયેલ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે ઉશ્કેરણી કરવાના નોંધાયેલ કેસમાં સુપ્રીમ કોર્ટે આકરૂ વલણ અપનાવી ગુજરાત સરકાર અને ગુજરાત હાઇકોર્ટ સામે પણ સવાલો ખડા કર્યા હતા. સાથોસાથ ઇમરાન પ્રતાપગઢી સામે કોઇપણ કાર્યવાહી કરવાની મનાઇ ફરમાવી દીધી છે.
કોર્ટે કોંગ્રેસના નેતાને વચગાળાની રાહત આપી છે અને એફઆઇઆર પર કોઈપણ કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટે એમ પણ કહ્યું કે આખરે આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માત્ર એક કવિતા હતી.
સુપ્રીમ કોર્ટમાં ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ દાખલ કેસની સુનાવણી દરમિયાન, ગુજરાત સરકાર વતી હાજર રહેલા વકીલે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે કવિતા માટે આ કેસ નોંધવામાં આવ્યો છે તેનો સાચો અર્થ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. આ કવિતા કોઈ ધર્મ વિરુદ્ધ કહેવામાં આવી નથી. તેનો હેતુ અહિંસા વિશે વાત કરવાનો હતો.
જામનગરમાં એક સમૂહ લગ્ન કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ઇમરાન પ્રતાપગઢીએ 2 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટમાં તેમણે બેકગ્રાઉન્ડ ઓડિયો તરીકે એક કવિતા મૂકી હતી, તે એક કવિતા હતી જેમાં હે લોહીના તરસ્યા લોકો, સાંભળો જેવા શબ્દો હતા.
આ બારામાં 3 જાન્યુઆરીના રોજ જામનગરના રહેવાસી કિશનભાઈ નંદાએ એફઆઈઆર નોંધાવી હતી. જેમાં ઈમરાન પ્રતાપગઢીની કવિતાને સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તે એફઆઇઆરમાં બીએનએસની કલમ 196 અને 197 ઉમેરવામાં આવી હતી.
આ એફઆઇઆર સામે અગાઉ ઇમરાન પ્રતાપગઢીએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. આ પછી પ્રતાપગઢી તરફથી સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા.
આ કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઓકા એ રાજ્યના વકીલને કહ્યું કે કૃપા કરીને કવિતા પર પોતાના મગજનો ઉપયોગ કરો. છેવટે સર્જનાત્મકતા પણ મહત્વપૂર્ણ છે. આ કેસ રદ કરાવવા માટે ઇમરાને ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે તેમનો ઉદ્દેશ્ય શાંતિ અને પ્રેમને પ્રોત્સાહન આપવાનો હતો પરંતુ ન્યાયાધીશ સંદીપ ભટ્ટની હાઇકોર્ટ બેન્ચે આ વાતનો ઇનકાર કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે તપાસ હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે. ઇમરાન પ્રતાપગઢી એક સાંસદ છે તેમણે જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ અને કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. હવે સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચતા સુપ્રીમ કોર્ટે પ્રતાપગઢી સામેની તમામ કાર્યવાહી સામે મનાઇ હુકમ આપી સરકારને નોટીસ પાઠવી છે અને ત્રણ અઠવાડીયા પછી સુનાવણી મુકરર કરી છે.

