ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં રહેતા એક 82 વર્ષીય વૃદ્ધા સાથે અજીબોગરીબ ઠગાઈની ઘટના સામે આવી છે. એક અજાણી મહિલાએ વૃદ્ધાને મદદ કરવાના અને પૈસાની લાલચ આપવાના બહાને વિશ્વાસમાં લઈ, અલગ-અલગ ત્રણ રિક્ષાઓ બદલાવી છેક ધોલેરા લઈ જઈ સોનાના દાગીના સેરવી લીધા હતા. આ મામલે નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની વિગત એવી છે કે ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં રહેતા મંજુલાબેન ચંદુલાલ શાહ (ઉ.વ. 82) ગત સવારે પોતાના ઘરેથી શાસ્ત્રીનગરમાં આવેલા જૈન દેરાસરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે એક અજાણી સ્ત્રીએ તેમને રોડ ક્રોસ કરાવી આપવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. આ મહિલાએ મંજુલાબેનને બેંકમાંથી પૈસા અપાવવાની લાલચ આપી ભોળવ્યા હતા અને એક રિક્ષામાં બેસાડી શામળદાસ કોલેજ પાસે લઈ ગઈ હતી. ત્યાંથી બીજી રિક્ષામાં એસ.ટી. બસ સ્ટેન્ડ અને ત્યાંથી ત્રીજી રિક્ષા કરી વૃદ્ધાને છેક ધોલેરા તરફ લઈ ગઈ હતી.
ધોલેરા પહોંચ્યા બાદ આ ચાલાક મહિલાએ રિક્ષા ચાલકને ચા-પાણી લેવા જવાના બહાને રિક્ષામાંથી નીચે ઉતાર્યો હતો. તકનો લાભ લઈ મહિલાએ મંજુલાબેનને ભોળવી તેમણે પહેરેલી રૂૂ. 60,000ની કિંમતની સોનાની બે બંગડી અને બે બુટ્ટી કઢાવી લીધી હતી. “તમને બેંક ઓફ ઇન્ડિયામાંથી આના બદલામાં રૂૂપિયા મળી જશે” તેમ કહી મહિલા રિક્ષામાંથી ઉતરીને રફુચક્કર થઈ ગઈ હતી. બાદમાં બેંકમાં તપાસ કરતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા વૃદ્ધા ચોંકી ઉઠ્યા હતા. જેમ-તેમ કરીને ભાવનગર પરત ફરેલા મંજુલાબેને નિલમબાગ પોલીસ મથકે અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
