લોકોમા રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના વધુ ને વધુ પ્રબળ બને તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ભવ્યાતિ ભવ્યતિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ તિરંગા યાત્રામા રાજકોટના રસ્તા પર જાણ્યે કે, તિરંગો મહાસાગર લહેરાતો હોય તેવા ભવ્ય દ્રશ્યો સર્જ્યા હતા. મંચ પર ઉપસ્થિત રાજકોટ જિલ્લાના માન. પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે તિરંગા યાત્રાને ફ્લેગ દર્શાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જ્યાંથી તિરંગા યાત્રાએ ચૌધરી હાઈસ્કૂલવાળા રોડ પર આગળ ધપીને જ્યુબિલી ગાર્ડન પાસે સ્થિત રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની પ્રતિમા ખાતે પહોંચીને વિરામ લીધો હતો.
આ તિરંગા યાત્રામાં વ્યવસાયિક એસો., વિવિધ ચેમ્બર્સ, ઇન્ડસ્ટ્રીયલ એસો., વિવિધ સમાજ, બિલ્ડર્સ, આર્કીટેકટ, ક્ધસલ્ટન્ટન્ટ એસો., એન્જીનિયરીંગ એસો., તાબા હેઠળના કોન્ટ્રાકટરોના કર્મચારીઓ, ધાર્મિક સંગઠનો, એનજીઓ, સખી મંડળો, રમત ગમતની સંસ્થાઓ, એનએસએસ, એનસીસી, આઈએમએ, કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસો., હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ વેન્ડર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ, મનપા સંચાલિત હાઈસ્કૂલો, યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ હેઠળની ખાનગી શાળાઓ તથા ટ્રસ્ટ સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ, તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા.

