વહેલી સવારે 4 વાગ્યે દર્શન ખુલશે, સવારે 8:30 વાગ્યે ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણ, 10 વાગ્યે પાઘ શોભાયાત્રા
પોલીસ દ્વારા બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ, 500થી વધુ જવાનો તૈનાત, સીસીટીવીથી સતત મોનીટરિંગ
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલે રવિવારના રોજ મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પાવન અવસરે ભગવાન સોમનાથના દર્શન માટે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ઉમટી પડશે, જેને ધ્યાને રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વહેલી સવારથી લઈને બીજા દિવસ સુધીના વિશેષ પૂજન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરની સાથે સાથે સોમનાથના સમુદ્ર કિનારે (મારુતિ બીચ) પણ શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં સવારે 08:00, 10:00 અને બપોરે 3:00 તથા 5:00 વાગ્યે શ્રી પાર્થિવેશ્વર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકશે. આમ, 2026ની મહાશિવરાત્રિએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળશે.
પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામે મહાશિવરાત્રીના પર્વે લાખો ભક્તોની ભીડ ઉમટવાની સંભાવના વચ્ચે ગીર સોમનાથ પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક અને સુવ્યવસ્થિત સુરક્ષા આયોજન ગોઠવાયું છે. ભક્તિ અને ભાવના વચ્ચે ભક્તોને નિરાંતે દર્શન મળે અને દરેક યાત્રી પોતાને સુરક્ષિત અનુભવે તે માટે પોલીસ તંત્રે બહુસ્તરીય બંદોબસ્ત ઉભો કર્યો છે.
જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિશેષ સુરક્ષા પ્લાન અમલમાં મૂકાયો છે. મહાશિવરાત્રીના દિવસે અંદાજે 4 થી 5 લાખ યાત્રિકો આવવાની શક્યતા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો પધારવાના હોવાથી સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.
આ આયોજન અંતર્ગત 11 DYSP 50થી વધુ PI/PSI, જીઆરડી અને એસઆરપી સહિત 500થી વધુ પોલીસ જવાનો તહેનાત રહેશે. ઉપરાંત ડોગ સ્કવોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ક્વિક રિસ્પોન્સ ટીમ, ઘોડેસ્વાર પોલીસ, મેટલ ડિટેક્ટર તથા બોડીવોર્ન કેમેરાથી સજ્જ દળો સતત પેટ્રોલિંગ કરશે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં 70થી વધુ CCTV કેમેરા દ્વારા સતત મોનીટરીંગ થશે અને કંટ્રોલ રૂૂમમાંથી દરેક પ્રવૃત્તિ પર ચાંપતી નજર રાખવામાં આવશે.
ભીડ નિયંત્રણ માટે અલગ-અલગ પ્રવેશ અને નિર્ગમ માર્ગો ગોઠવાયા છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે વિશેષ રૂૂટ ડાયવર્ઝન અને પાર્કિંગ ઝોન નિર્ધારિત કરાયા છે. ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે માર્ગદર્શક બેનરો, જાહેર સૂચનાઓ અને વોલન્ટિયરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે અને આવતીકાલે પ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેર સહિતના કલાકારોના ભક્તિમય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર હોવાથી સાંજના સમયગાળા દરમિયાન સુરક્ષા વધુ કડક રહેશે. મહાશિવરાત્રીના પાવન અવસરે સોમનાથમાં ભક્તિ, શ્રદ્ધા અને સુરક્ષાનો અદભૂત સમન્વય સર્જાયો છે. ગીર સોમનાથ પોલીસની સુવ્યવસ્થિત કામગીરી ભક્તોને નિરાંતે દર્શન અને શાંતિપૂર્ણ ઉજવણીનો વિશ્વાસ આપી રહી છે.

