અમિત શાહ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરવા માંગ
દિલ્હી સંસદ ભવન ખાતે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર મુદ્દે કરેલ નિવેદનને લઇ હાલ સમગ્ર ભારતમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જે મામલે આજે રાજકોટમાં સમસ્ત અનુસૂચિત જાતિ અને જન જાતિ ઉપરાંત ભીમ આર્મીના આગેવાનો અને દલિત સમાજ દ્વારા આ મામલે કલેકટર અને ડીસીપીને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા માંગ કરી હતી. સંસદમાં હાલ સંવિધાનનો 109 મો સુધારો કરવા અંગેનો ખરડો લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે સંવિધાન સંશોધનના ખરડા ઉપર સંસદમાં ચર્ચા ચાલી રહેલ છે આ ચર્ચા દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર અંગે અશોભનીય અને બેહૂદી ટિપ્પણી કરીને બાબા સાહેબનું અપમાન કરેલ છે.
અમિત શાહ દ્વારા સભામાં એવું બોલવામાં આવ્યું હતું કે એક ફેશન ચાલી રહી છે. આંબેડકર… આંબેડકર…આંબેડકર… અને કદાચ આટલું નામ ભગવાનનું લીધું હોત તો સ્વર્ગ મળ્યું હોત, અમિત શાહના આ નિવેદનથી દલિત સમાજ નારાજ થયો છે. તેમજ બાબાસાહેબ આંબેડકર નીતા વિરોધી ચળવળના કારણે કરોડો દલિતો ,વંચિતો અને પીડિતોને આભળછટના સદીઓથી જૂના અભિશાપથી મુક્તિ મળી છે. ત્યારે ગૃહ મંત્રી અમિત શાહે ડો. બાબા સાહેબ આંબેડકર વિશે કરેલા અશોભનીય નિંદનીય,નિમ્ન અને બેહુદા નિવેદનના કારણે દલિત સમાજમાં રોષ ફેલાયો છે. દલિત સમાજે આવેદનપત્ર આપી જણાવ્યું કે, બાબા સાહેબને ભગવાન માનનાર દલિત સમાજની લાગણી દુભાયેલ છે. ત્યારે એટ્રોસિટી એકની જોગવાઈ પ્રમાણે દલિત સમાજમાં ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા વ્યક્તિ વિશે ખરાબ ટીપણી કરવી ગુનો બને છે.
આથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે બેહૂદી ટિપ્પણી કરી બાબા સાહેબ વિશે અપમાનજનક ભાષણ કરવા બદલ અમિત શાહ વિરુધ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવે તેમજ અમિત શાહની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આ મામલે દેશના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે તેવી દલિત સમાજે માંગ કરી હતી.

