Site icon Gujarat Mirror

મોરબીમાં શ્રમિકોને ગોંધી રાખવાના આક્ષેપ ઉદ્યોગને બદનામ કરવાનો કારસો : એસોસિએશન

મોરબી સિરામિક એકમમાં પરપ્રાંતીય શ્રમિકોને ગોંધી રાખવામાં આવ્યા હોવાના સમાચારો પ્રસિદ્ધ થયા હતા જે અંગે મોરબી સિરામિક એસો દ્વારા ખુલાસો કરતા આ ફરિયાદ ખોટી હતી અને તપાસ કરતા કોન્ટ્રાકટર દ્વારા શ્રમિકોને એક માસનો પગાર ચુકવવામાં વિલંબ થયાનું જણાઈ આવ્યું હતું મોરબી સિરામિક ઉદ્યોગને બદનામ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું એસો દ્વારા ઉમેરવામાં આવ્યું છે.મોરબી સિરામિક મેન્યુ. એસોસીએશન દ્વારા શ્રમિકોને ગોંધી રાખવાના મામલે ખુલાસો આપવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે સિરામિક ઉદ્યોગમાં પરપ્રાંતીય શ્રમિકોને ગોંધી રાખવામાં આવતા હોવાના સમાચાર પ્રસારિત થયા હતા જેની સિરામિક એસો દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેમાં ફરિયાદ તદન ખોટી અને તથ્યવિહિન છે તેવું સામે આવ્યું હતું હકીકતમાં કોન્ટ્રાક્ટર કોઈ કારણસર હાજર ન હોવાથી પરપ્રાંતિય શ્રમિકોને એક માસના પગારના ચૂકવણીમાં વિલંબ થયો હતો.મોરબીના સિરામિક ઉદ્યોગમાં કોઈપણ યુનિટમાં શ્રમિકોને ગોંધી રાખવાની ઘટના આજ દિવસ સુધી બની નથી. સિરામિક પરિવાર હંમેશાં શ્રમિકોના હિત અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહ્યુ છે.

ઉદ્યોગમાં કોઈપણ વ્યક્તિ પાસેથી બળજબરીપૂર્વક કામ લેવાતું નથી. વિવિધ રાજ્યોમાંથી પરપ્રાંતિય શ્રમિકો મોરબીનાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં રોજગાર માટે સ્વૈચ્છિક રીતે આવે છે, કારણ કે અહીં તેમને રોજીરોટી સાથે પારિવારિક અને સન્માનપૂર્ણ વાતાવરણ મળે છે. આ જ કારણસર મોરબીનો સિરામિક ઇન્ડસ્ટ્રીઝ વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત છે. અમુક તત્વો દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને મોરબી સિરામિક એસોસિએશન સખત શબ્દોમાં વખોડી કાઢે છે.

Exit mobile version