મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, શહેરોનું સર્વગ્રાહી આર્થિક, સામાજિક વિકાસ અને સ્માર્ટ, સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનો મજબૂત પાયો છે.
સુરતમાં યોજાઇ રહેલી અખિલ ભારતીય મેયર્સ પરિષદની 116મી કાર્યકારીણી બેઠકના પ્રારંભ અવસરના અધ્યક્ષ સ્થાનેથી મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા. શહેરી વિકાસ અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને દેશભરના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ અને પરિષદના પદાધિકારીઓ આ કાર્યકારીણી બેઠકમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શહેરીકરણના પડકારોને અવસરમાં પલટાવીને ગુજરાતમાં મોર્ડન અર્બન ડેવલપમેન્ટ મોડલની પહેલ 2005માં શહેરી વિકાસ વર્ષથી કરી હતી.
વેલ પ્લાન્ડ સિટી ડેવલોપમેન્ટ માટેના બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને આના પરિણામે વેગ મળ્યો અને 2005ના શહેરી વિકાસ વર્ષની બે દાયકાની સફળતાને પગલે રાજ્ય સરકારે પણ 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું છે. 2025ના આ શહેરી વિકાસ વર્ષમાં શહેરોની સ્વચ્છતા અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટમાં ગતિ આવી છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ આયોજનો અને લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવાના ગુજરાતના ઈનિસ્યેટિવ્ઝની પ્રભાવક પ્રસ્તુતિ આ મેયર્સ પરિષદમાં કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતે દેશને શહેરી ક્ષેત્રોમાં બી.આર.ટી.એસ. જનમાર્ગનું અને ઈ-સિટીબસ સેવાઓનું સફળ મોડલ આપ્યું છે. એટલું જ નહીં, વડાપ્રધાનના માર્ગદર્શનમાં અર્બન ટ્રાન્સફોર્મેશનમાં અનેક આઈકોનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ થયા છે તેમાં સુરત ડાયમંડ બુર્સ, રિવરફ્રન્ટ તો ગૌરવના પ્રતીક બન્યા છે એમ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીએ 2047 સુધીમાં વિકસિત ભારત માટેના વડાપ્રધાનના ધ્યેયને પૂર્ણ કરવામાં ગુજરાતને અગ્રેસર રાખવા અર્નિંગવેલ-લિવિંગવેલ મંત્ર સાથે વિકસિત ગુજરાત 2047નો રોડ મેપ કંડાર્યો છે તેની પણ ભૂમિકા આપી હતી.
આ પ્રસંગે શહેરી વિકાસ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ઉપસ્થિત તમામ મેયરોને પ્રોત્સાહન આપતા કહ્યું કે, શહેરીકરણના પડકારને તક સમજીને જળ વ્યવસ્થાપન, સ્વચ્છતા, શિક્ષણ, આવાસ, સુએઝ અને ગ્રીન એનર્જી સહિતના કાર્યો કરવાથી ચોક્કસ રીતે સુસંચાલિત નગર આયોજન કરી શકાય છે. તેમણે સમગ્ર દેશમાં ગ્રીન એનર્જી રાજ્ય તરીકે ઝડપથી આગેકૂચ કરીને વડાપ્રધાનએ શરુ કરાવેલી સોલાર યોજના હવે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂૂપ થઇ હોવાનું ઉમેર્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે 48 ટકા શહેરીકરણનો ધ્યેય સિદ્ધ કર્યો છે. અને વર્ષ 2047 સુધીમાં 75 ટકાનો લક્ષ્યાંક પરિપૂર્ણ કરવાની દિશામાં ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું છે.
આ અવસરે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું કે, સુરતને સ્વચ્છતા, જળ વ્યવસ્થાપન અને સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં ઘણા રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યાં છે. વિકાસના સતત નવા આયામો સાથે આગળ વધતું સુરત દેશના અનેક શહેરો માટે સકારાત્મક સુધારાઓથી અન્ય શહેરો માટે પ્રેરણાસ્ત્રોત બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

