રાષ્ટ્રીય
ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઇ અજિત પવાર બેદાગ બહાર આવ્યા: આવું કયાં સુધી ચાલશે?
ભાજપ ભ્રષ્ટાચારમુક્ત ભારતની વાતો કરે છે પણ ખરેખર ભારતને ભ્રષ્ટાચારમુક્ત કરવામાં ભાજપને રસ છે ખરો? કે પછી ભાજપ ભ્રષ્ટાચારના મુદ્દાનો ઉપયોગ માત્ર પોતાના રાજકીય હરીફોને દબાવવા માટે અને સત્તા હાંસલ કરવા માટે કરે છે? ભાજપે જેને ભરપેટ ગાળો ભાંડી હોય અને ભ્રષ્ટાચાર શિરોમણી કહીને નવાજ્યા હોય એવા લોકોને ભાજપ લાલ જાજમ પાથરીને આવકારે ને તેમનાં બધાં પાપ, બધા ભ્રષ્ટાચાર અચાનક ધોવાઈ જાય ત્યારે ત્યારે આ સવાલ ઊઠે છે.
ભાજપ જે રીતે ભ્રષ્ટાચારીઓને ગળે લગાડી રહ્યો છે તેના કારણે તો હવે આ સવાલ ઊઠવાનો ગાળો પણ ઘટતો જાય છે. અત્યારે આ સવાલ પાછો ઊઠયો છે કેમ કે મહારાષ્ટ્રમાં અજીત પવારે ભાજપ સરકારના નાયબ મુખ્યમંત્રીપદે શપથ લીધા એ સાથે જ કેન્દ્ર સરકારનું આવકવેરા વિભાગ તેમના પર મહેરબાન થઈ ગયું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે અજીતદાદાએ છઠ્ઠી વખત શપથ લીધાના બે દિવસમાં જ અજિત પવારની મનાતી ને જપ્ત કરાયેલી 1000 કરોડ રૂૂપિયાથી વધારાની બેનામી સંપત્તિને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ નિર્ણય દિલ્હીની આવકવેરા વિભાગની ટ્રિબ્યુનલે લીધો છે તેથી ભાજપ સરકાર પોતાને તેની સાથે કંઈ લેવાદેવા નથી એવું કહી શકે પણ આ દલીલ સાવ વાહિયાત છે એ કોઈને પણ સમજાય એવી વાત છે. ટ્રિબ્યુનલનો ચુકાદો સાચો છે કે ખોટો તેના પિષ્ટપિંજણમાં આપણે નથી પડતા પણ આ ચુકાદો આવકવેરા વિભાગની કામગીરી સામે શંકા પેદા કરનારો છે તેમાં શંકા નથી. વાસ્તવમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કેમ કે તેમણે જે સંપત્તિને બેનામી ગણીને જપ્ત કરેલી એ સંપત્તિને બેનામી સાબિત કરી શક્યા નથી.
સવાલ એ છે કે, આવકવેરા વિભાગે ક્યા આધાર પર આ સંપત્તિને અજીત પવારની ગણીને બેનામી જાહેર કરેલી? ટ્રિબ્યુનલના ચુકાદા પરથી તો એવું જ લાગે કે, આવકવેરા વિભાગ પાસે કોઈ આધાર જ નહોતો ને બધી સંપત્તિ એકદમ ચોખ્ખા વ્યવહારો કરીને જ લેવાયેલી છતાં આવકવેરા વિભાગે તેને ખોટી રીતે જપ્ત કરી લીધેલી. સંપત્તિની લે-વેચમાં મોટા ભાગનું કામ કાગળ પર જ થતું હોય છે. બ્લેકના પૈસાની લેવડદેવડ સિવાયનું બધું કાગળ પર જ હોય છે પણ આવકવેરા વિભાગના અધિકારીઓને એ ચોખ્ખા વ્યવહારો ના દેખાયા તેનો અર્થ એ થયો કે, આ વિભાગમાં ડફોળો ભર્યા છે. ખેર, આ બધી વાતોનો મતલબ નથી કેમ કે આ પ્રકારની ઘટનાઓ આપણે ત્યાં બન્યા જ કરે છે.
કોઈ નેતા વિપક્ષમાં હોય ત્યારે તેને ત્યાં કેન્દ્ર સરકારની એજન્સીઓના દરોડા પડે, કેસ થાય, મિલકતો જપ્ત કરાય ને તો પણ ના માને તો જેલમાં પણ જવું પડે એવું બને છે. એ જ નેતા વિપક્ષ છોડીને ભાજપમાં જતો રહે એ સાથે જ બધું માફ થઈ જાય છે. અજીતદાદાના કેસમાં તો હાલના તેમના બોસ દેવેન્દ્ર ફડણવીસે જ તેમને મહાભ્રાચારી ગણાવીને કેસ કરેલા, પત્રકાર પરિષદો કરીને આક્ષેપો કરેલા ને હવે ફડણવીસની યાદદાસ્ત દગો આપી રહી છે. ફડણવીસ સાહેબને પોતે કરેલા આક્ષેપો જ યાદ નથી ને મહાભ્રષ્ટાચારી ગણાવેલ એ દાદા તેમના ડાબો કે જમણો જે પણ હાથ ગણો એ બનીને બેઠા છે.