Site icon Gujarat Mirror

ઉપલેટામાં જ્વેલર્સ સામે છેતરપિંડીની ફરિયાદમાં મદદ કરનાર એડવોકેટને જાનથી મારવાની ધમકી

ઉપલેટામાં સોના-ચાંદીના વેપાર સાથે સંકળાયેલી એક જાણીતી પેઢી દ્વારા ગ્રાહક સાથે વિશ્વાસઘાત અને ત્યારબાદ તેમના વકીલને ધમકાવવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 40 વર્ષથી વકીલાત કરતા એડવોકેટ કિશોરભાઈ રાણીંગાએ આ મામલે ન્યાયની માંગ કરી છે.

ઉપલેટા શહેરના ભાદર રોડ પર રહેતા તસલીમબેન નાથાણીના પૂર્વજોએ ’દિલીપકુમાર નાથાલાલ જ્વેલર્સ’ પાસેથી 15 વલ્લાની શુદ્ધતાના વિશ્વાસે 500 ગ્રામ સોનાના દાગીના ખરીદ્યા હતા. જોકે, જ્યારે આ દાગીના પરત વેચવા ગયા ત્યારે પેઢીએ ઓછી ગુણવત્તા ગણી હિસાબ આપ્યો હતો. લેબોરેટરી ટેસ્ટમાં સોનું હલકી ગુણવત્તાનું સાબિત થતા, તસલીમબેને એડવોકેટ કિશોરભાઈની સલાહથી રાજકોટ ક્ધઝ્યુમર કોર્ટમાં પેઢી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહીથી ઉશ્કેરાઈને જ્વેલર્સ પેઢીના સંચાલકો ચંદ્રેશ દિલીપકુમાર ઘઘડા અને કેયુર દિલીપકુમાર ઘઘડાએ ગત રોજ કિશોરભાઈને રસ્તામાં રોકી જાહેરમાં ગાળો ભાંડી હતી. ચંદ્રેશભાઈએ વકીલને કેસમાંથી હટી જવા અને ઉપલેટા છોડી દેવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોતાના જીવ પર જોખમ જણાતા વરિષ્ઠ એડવોકેટે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. જોકે, સ્થાનિક પોલીસે એફઆઈઆર ન નોંધતા કિશોરભાઈએ આ મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી કડક પગલાં લેવાની માંગ કરી છે. આ ઘટનાને પગલે ઉપલેટા પોલીસ ફરિયાદીઓની અને મોટા વ્યક્તિઓ વિરોધની પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે જેને લઇને સ્થાનિક કાયદાકીય આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Exit mobile version