શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં રહેતા વકીલ સાથે તેમના જ કૌટુંબિક સંબંધીએ શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી કુલ રૂૂ. 62.78 લાખ ની છેતરપિંડી કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે રાજકોટ શહેરના આર્થિક ગુન્હા નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો મુજબ કુવાડવા રોડ ઉપર આવેલ શ્રીનાથ પાર્ક-2 માં રહેતા ભવ્યભાઈ જયેશભાઈ ગરસોંદીયા (ઉ.વ. 25), જે વ્યવસાયે વકીલ છે, તેમણે પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ, જૂન 2024 માં તેઓ જ્યારે જમ્મુ-કાશ્મીર ફરવા ગયા હતા ત્યારે તેમના કૌટુંબિક મામાના દીકરા પ્રિન્સ લાલજીભાઈ ભુત (રહે. પંચવટી સોસાયટી, રાજકોટ) ના સંપર્કમાં આવ્યા હતા. પ્રિન્સે ભવ્યભાઈને જણાવ્યું હતું કે તે શેરબજારનું કામ કરે છે અને તેમાં રોકાણ કરવાથી ખૂબ જ સારું વળતર મળે છે.
સબંધી હોવાના નાતે ભવ્યભાઈએ તેના પર વિશ્વાસ મૂક્યો હતો. પ્રિન્સની રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ‘શ્રી ઇન્વેસ્ટમેન્ટ’ નામની ઓફિસની મુલાકાત લીધા બાદ, ભવ્યભાઈએ રોકાણ કરવાની તૈયારી દર્શાવી હતી. તારીખ 30/07/2024 થી 31/01/2025 ના સમયગાળા દરમિયાન, ભવ્યભાઈએ અને તેમના પરિવારના સભ્યોએ અલગ-અલગ તારીખે: બેંક મારફતે રૂૂ. 8,50,000 તેમજ રોકડ સ્વરૂૂપે: રૂૂ. 56,10,000 મળી કુલ રૂૂ. 64,60,000 પ્રિન્સને આપવામાં આવ્યા હતા. શરૂૂઆતમાં વિશ્વાસ જીતવા માટે પ્રિન્સે ભવ્યભાઈને સમયાંતરે રૂૂ. 1,82,000 પરત આપ્યા હતા. જોકે, બાકીની રૂૂ. 62,78,000 ની રકમ પરત માંગતા આરોપી ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. સુરક્ષાના ભાગરૂૂપે પ્રિન્સે જે ચેક આપ્યા હતા તે પણ પરત આવ્યા હતા. મે 2025 માં જ્યારે ભવ્યભાઈએ પ્રિન્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો મોબાઈલ ફોન બંધ આવતો હતો.
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી પ્રિન્સ ભુત નાણાં પડાવીને દુબઈ જતો રહ્યો છે. કૌટુંબિક સંબંધી હોવાથી અત્યાર સુધી ફરિયાદ કરી ન હતી, પરંતુ અંતે છેતરાયા હોવાનો અહેસાસ થતા ભવ્યભાઈએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. રાજકોટ પોલીસે આ મામલે આરોપી પ્રિન્સ લાલજીભાઈ ભુત વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) (છેતરપિંડી) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ આર્થિક ગુન્હા નિવારણ શાખાના પીએસઆઈ એ.એસ. ગરચર ચલાવી રહ્યા છે. પોલીસે બેંક સ્ટેટમેન્ટ, વોટ્સએપ ચેટ અને ગુગલ-પે ના સ્ક્રીનશોટ પુરાવા તરીકે કબજે લીધા છે.
