Site icon Gujarat Mirror

અદાણીએ તપાસમાં સહયોગ ન આપતા 126% ટેરિફ ઝીંકાયો

મુન્દ્રા સોલાર એનર્જી અને મુન્દ્રા સોલાર પીવીએ એન્ટી સબસિડી તપાસમાં પાછા ખસી જતા એડવર્સ ફેકટ્સ એવેલેબલ પેનલ્ટી લગાવાઇ

અમેરિકાના વાણિજ્ય વિભાગે ભારતીય સોલાર પ્રોડક્ટ્સ પર પ્રિલિમિનરી કાઉન્ટરવેલિંગ ડ્યુટી (CVD) તરીકે આશરે 126 ટકા (ચોક્કસ 125.87 ટકા) ટેરિફ લગાવી દીધો છે. આ નિર્ણયમાં અદાણી ગ્રુપની બે કંપનીઓ મુંદ્રા સોલાર એનર્જી અને મુંદ્રા સોલાર PV ને મુખ્ય કારણ ગણાવવામાં આવ્યું છે, કારણ કે તેઓએ અમેરિકાની એન્ટી-સબસિડી તપાસમાં સહયોગ ન આપ્યો અને નવેમ્બર 2025માં તપાસમાંથી પાછા ખસી ગયા હતા.
અમેરિકન વાણિજ્ય વિભાગના પ્રિલિમિનરી એન્ટી-સબસિડી તપાસ અહેવાલમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ બે અદાણી કંપનીઓ ’મેન્ડેટરી રિસ્પોન્ડન્ટ્સ’ હતી, પરંતુ તેઓએ જરૂૂરી માહિતી આપવામાં નિષ્ફળતા દાખવી, નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ ન આપ્યો અને તપાસને અવરોધિત કરી. આને કારણે અમેરિકાએ સૌથી કડક પદ્ધતિ ’એડવર્સ ફેક્ટ્સ અવેલેબલ’ (AFA) લાગુ કરી, જેના પરિણામે આખા ભારતીય સોલાર સેક્ટર પર 126 ટકા ટેરિફ લાગુ થયો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મુંદ્રા સોલાર એનર્જી અને મુંદ્રા સોલાર PVએ “મોટી માત્રામાં સોલાર સેલ્સ ટૂંકા સમયમાં શિપ કર્યા” હતા અને તેઓએ અગ્રિમ ઓથોરાઇઝેશન પ્રોગ્રામ, ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ ઓથોરાઇઝેશન, ડ્યુટી ડ્રોબેક, એક્સપોર્ટ પ્રમોશન ઓફ કેપિટલ ગુડ્સ સ્કીમ જેવી સરકારી સબસિડીઓનો લાભ લીધો હતો.

આ તપાસ ઓગસ્ટ 2025માં શરૂૂ થઈ હતી, જ્યારે અમેરિકન સોલાર મેન્યુફેક્ચરર્સના એલાયન્સ ફોર અમેરિકન સોલાર મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડે પિટિશન દાખલ કરી હતી. તપાસનો સમયગાળો ભારત સરકાર અને અદાણી ગ્રુપની વિનંતી પર એપ્રિલ 2024થી માર્ચ 2025 સુધી બદલાયો હતો. અમેરિકાએ ભારતની ચીન પર અતિ આધારિતતા પર પણ આંગળી ચીંધી છે, જેમાં પોલિસિલિકોન, સિલિકોન વેફર્સ, સિલ્વર પેસ્ટ, સોલાર ગ્લાસ વગેરે જેવા કી ઇનપુટ્સ ચીનમાંથી નીચા ભાવે આયાત થાય છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સોલાર ઉદ્યોગ ચીની આયાત પર ભારે આધારિત છે અને ચીની કંપનીઓ કંબોડિયા, મલેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ જેવા દેશોમાં પ્લાન્ટ ખોલી રહી છે.

અદાણી ગ્રુપને આ અંગે પૂછવામાં આવ્યું તો કોઈ જવાબ મળ્યો નથી. કંપનીના સ્ત્રોતે જણાવ્યું કે આ મામલો ’સબ જ્યુડિસ’ છે. અન્ય ભારતીય કંપનીઓ જેમ કે વારી એનર્જીઝે તપાસમાં ઇન્ટરેસ્ટેડ પાર્ટી તરીકે ભાગ લીધો હતો, પરંતુ તેમને પણ આ જ દર લાગુ પડે છે.

GTRIના હેડ અને પૂર્વ વેપાર અધિકારી અજય શ્રીવાસ્તવે કહ્યું કે અદાણી કંપનીઓની નોન-કોઓપરેશનને કારણે કેસ વધુ પનિટિવ બન્યો. “એક્સપોર્ટ-લિંક્ડ પ્રોગ્રામ્સ જેમ કે એડવાન્સ ઓથોરાઇઝેશન, ડ્યુટી ડ્રોબેક, RODTERP વગેરે સબસિડી તરીકે ગણાય છે. ચીની ઇનપુટ્સ પર આધારિત હોવાથી ભારતીય એક્સપોર્ટર્સ હંમેશા જોખમમાં રહેશે.”

ICRAના વાઇસ પ્રેસિડન્ટ અંકિત જૈને જણાવ્યું કે આ ટેરિફથી અમેરિકામાં એક્સપોર્ટ વોલ્યુમ ઘટશે, જેનાથી ડોમેસ્ટિક OEM પર પ્રાઇસિંગ પ્રેશર વધશે અને મેન્યુફેક્ચરર્સની પ્રોફિટેબિલિટી પર અસર પડશે. જો એક્સપોર્ટ ડોમેસ્ટિક માર્કેટમાં વળી જાય તો પ્રાઇસ વોર વધુ તીવ્ર બનશે.

આ ઘટના અમેરિકા-ભારત વેપાર સંબંધોમાં તણાવ વધારી શકે છે, ખાસ કરીને ટ્રમ્પ વહીવટની ’અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ. ભારતીય સોલાર કંપનીઓ હવે યુરોપ, આફ્રિકા જેવા વૈકલ્પિક બજારો તરફ વળી રહી છે અને ડોમેસ્ટિક માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ પ્રિલિમિનરી નિર્ણય છે; ફાઇનલ નિર્ણય જુલાઈ 2026 સુધીમાં આવશે, અને એન્ટી-ડમ્પિંગ તપાસ પણ ચાલુ છે જે વધુ ટેરિફ લાવી શકે છે. આ ટેરિફ ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટર માટે મોટો પડકાર છે, પરંતુ તે દેશના સ્વચ્છ ઊર્જા ઉત્પાદનને વેગ આપવાની તક પણ બની શકે છે.

ત્રણ વર્ષના ભારતના PV મોડ્યૂલનું એક્સપોર્ટ 90% અમેરિકામાં થયું
આ ટેરિફની અસર ભારતીય સોલાર ઉદ્યોગ પર ગંભીર છે. 2024માં અમેરિકામાં ભારતથી સોલાર ઇમ્પોર્ટ 792.6 મિલિયન સુધી પહોંચ્યું હતું, જે 2022ની તુલનામાં નવગણા વધારો છે. 2021થી 2024 સુધી ભારતના 90 ટકાથી વધુ સોલાર PVમોડ્યુલ એક્સપોર્ટ અમેરિકામાં ગયા હતા. ગયા વર્ષે ભારતથી આશરે 3 GW સોલાર એક્સપોર્ટ થયું હતું.

 

Exit mobile version