સિવિલમાં ઈન્જેક્શન ન હોવાથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવા પડ્યા
રાજકોટમાં માતેલા સાંઢ જેમ દોડતા ભારે વાહનો પર કાર્યવાહી કરવાની રજૂઆત કરવા મહાનગરપાલિકામાં ગયેલા આમ આદમી પાર્ટીના નેતાને હાર્ટએટેક આવતા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં.
આમ આદમી પાર્ટીના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બે દિવસ પૂર્વે ડમ્પરે વિદ્યાર્થીનીને કચડી નાખતા મોત થયું હતું. જેબાબતે આવા ભારે વાહનો સામે કાર્યાહી કરવા અને દિકરીને ન્યાય અપાવવાની રજૂઆત કરવા આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને આવેદન પત્ર પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આવેદનમાં આપના પ્રધેશ સંગઠનના સહમંત્રી વિજયસિંહ તખતસિંહ જાડેજા (ઉ.વ.36) પણ જોડાયા હતાં. કોર્પોરેશનના પટાંગણમાં જ અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને હાર્ટ એટેકની અસર જણાતા 108 મારફત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
સિવિલમાં સારવાર દરમિયાન ખાટલે મોટી ખોટ હોય તેમ સિવિલમાં મહત્વના ઈન્જેક્શન નહીં હોવાની બહારના ખાનગી મેડિકલમાંથી સ્ટાફ દ્વારા ઈન્જેક્શન મંગાવવામાં આવ્યા હતાં. ઈન્જેક્શનના અભાવે દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. સરકારીમાં મહત્વના ઈન્જેક્શન નહીં હોવાથી સગાઓમાં રોષ ફેલાયો હતો.
આપ નેતા વિજયસિંહ જાડેજાને હાર્ટએટેક આવ્યાના સમાચાર મળતા આમ આદમી પાર્ટીના શહેરના હોદેદારો, કાર્યકરો પણ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતાં. ઉપરાંત પરિવારજનો અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતાં. અને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. આ અંગેની જાણ થતાં પ્રદેશકક્ષાના નેતાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

