સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો કે જ્યાં ચૂંટણી યોજાવાની હોય તે વિસ્તારમાં આચાર સંહિતા લાગુ થઈ ચુકી છે. જેના લીધે રાજકીય પક્ષની જાહેરાતો તેમજ આચાર સંહિતાનો ભંગ થતો હોય તેવા રાજકીય પાર્ટીના બોર્ડ બેનરો હટાવવાની પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં વોર્ડ નં.4માં આમ આદમી પાર્ટીના આગેવાનો બોર્ડ બેનર ઉતારવા આવનાર જગ્યા રોકાણ વિભાગનાં અધિકારીઓ સાથે માથાકુટ કરતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાના જગ્યા રોકાણ વિભાગ દ્વારા તા.31 માર્ચથી સમગ્ર શહેરમાં પક્ષની વાહ વાહી અથવા આચાર સંહિતાનો ભંગ થતો હોય તે પ્રકારના લગાવેલા બોર્ડ બેનરો સહિતનો સામાન જપ્ત કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી ચાલુ કરેલ તે દરમિયાન વોર્ડ નં.4માં મુખ્ય માર્ગો ઉપર આમ આદમી પાર્ટીના રાજકીય બેનરો નજરે પડતાં જગ્યા રોકાણ વિભાગે આ બેનરો ઉતારવાની શરૂઆત કરતાં ત્યાં ઉપસ્થિત આપના આગેવાન રાહુલ ભુવાએ જગ્યા રોકાણના કર્મચારીઓ સાથે માથાકુટ કરી જપ્ત કરેલ બોર્ડ બેનરો બળજબરીથી પરત લઈ લીધા હતાં. આ બનાવ બાદ થોડીવારમાં જગ્યા રોકાણ વિભાગનો અન્ય સ્ટાફ સ્થળ ઉપર આવી જતાં આપના આગેવાને જપ્ત કરેલા બેનરો પરત લઈ તેઓને સમજાવવાની કોશીષ કરવામાં આવેલ છતાં બળજબરી અને માથાકુટ થતાં અંતે તંત્ર દ્વારા રાહુલ ભુવા સામે આચાર સંહિતા ભંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
મનપાના જગ્યા રોકાણ વિભાગનાં અધિકારીના જણાવ્યા મુજબ, આચાર સંહિતા અંતર્ગત રાજકીય પ્રચાર પ્રસાર માટે બેનરો બોર્ડ વગેરે લગાવવા માટેની મનાઈ ફરમાવવામાં આવી છે. છતાં કોઈ જગ્યાએ આ પ્રકારનું સાહિત્ય રહી ગયું હોય તે ઉતારવા માટે જગ્યા રોકાણ વિભાગની ટીમ કાર્યરત હતી તે દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ ભુવાએ કામગીરીમાં અડચણ નાંખી કર્મચારીઓ સાથે માથાકુટ કરતાં ના છુટકે પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.

