શહેરમાં બિમારી સબબ બે મોત નોંધાયા છે જેમાં વેલનાથપરામાં તથા ગોકુલ પાર્કમાં રહેતા યુવકનું અલગ અલગ બિમારીથી મોત નિપજતા પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે. ખોખડદળ નદી પાસે વેલનાથપરામાં રહેતા અને ઇમિટેશન કામ કરતાં અલ્પેશભાઇ જયેશભાઇ ચાવડા (ઉ.વ. ર1) રાત્રે બેભાન થઇ જતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ત્યાં ફરજ પરનાં તબીબે તપાસીને મૃત જાહેર કરતાં પરીવાર પર આભ ફાટી પડયુ હતું.
પ્રાથમિક તપાસમાં હાર્ટએટેકને લીધે મૃત્યુ થયાનુ સામે આવ્યું છે. મૃતક પોતે 3 ભાઇ અને 1 બહેનમાં ત્રીજા નંબરનો હોવાનું તથા અપરિણીત હોવાનું ખૂલ્યું છે.
અન્ય એક બનાવમાં થોરાળાનાં ગોકુલ પાર્કમાં રહેતા વિજયભાઇ નાનજીભાઇ સોલંકી (ઉ.વ. ર4)નું કેન્સરની બિમારીને લીધે મોત થયાનું સામે આવ્યું છે. મૃતક પોતે મજુરી કરતો હોવાનું તથા ર ભાઇ અને 1 બહેનમાં મોટો હોવાનું તથા અપરિણીત હોવાનું સામે આવ્યું છે.

