Site icon Gujarat Mirror

રાજનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનનો પત્ની રિસામણે ચાલી જતાં આપઘાત

શહેરના મવડી વિસ્તારમાં આવેલા રાજનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગૃહકલેશના કારણે પત્ની રિસામણે ચાલી ગઈ હોય જેથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, રાજનગર શેરી નં.3માં રહેતાં વિશ્ર્વજીતસિંહ રાજેન્દ્રસિંહ રહેવત (ઉ.37) નામના યુવાને ગત રાત્રે પોતાના ઘરે રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારે પરિવારજનો તેનાં રૂમમાં જતાં યુવાન લટકતી હાલતમાં મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક વિશ્ર્વજીતસિંહએ પ્રેમલગ્ન કર્યા હોય અને પત્ની સાથે ગૃહ કલેશ ચાલતો હોવાથી તેણી રિસામણે ચાલી ગઈ હોય જેના કારણે આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. આ અંગે માલવીયાનગર પોલીસ મથકના વિમલભાઈ સહિતનાં સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version