શહેરમાં આજીડેમ ચોકડી નજીક આવેલા ભીમનગરમાં રહેતા યુવકને છ વર્ષ પૂર્વે સાપે ડંખ માર્યો હતો. યુવકને ઝેરી અસરના કારણે છેલ્લા છ વર્ષથી કોમોમાં સરી પડેલા યુવકે સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે આવેલા ભીમનગરમાં રહેતા મુકેશ વાઘાભાઈ કુકડીયા ગામનો 34 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક મુકેશ કુકડીયા ત્રણ ભાઈમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે. મુકેશ કુકડીયાને છ વર્ષ પહેલા સાપે ડંખ માર્યો હતો ત્યારથી મુકેશ કુકડીયા કોમામાં સરી પડ્યો હતો. છ વર્ષથી પથારીવશ યુવકનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.