Site icon Gujarat Mirror

ભાવનગરના રાજપરા-ખારા ગામના યુવાનની પ્રેમ સંબંધ મામલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

ભાવનગર જિલ્લાના ઘોઘા તાબેના રાજપરા ખારા ગામમાં રહેતા યુવાનની પ્રેમ સંબંધ મામલે તેના કુટુંબી સહિતનાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવતા ઘોઘા પોલીસે યુવાનના મૃતદેહને ભાવનગર હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.

ખુનના આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રાજપરા ખારા ગામની સીમ, મલાર વાડી વિસ્તારમાં રહેતા રાકેશભાઈ ઝીણાભાઈ ચૌહાણ છેલ્લા ત્રણ વર્ષથી નાગધણીબા ગામના પોપટભાઈ ઓધાભાઈ પટેલની જમીનમાં ભાગ રાખી ખેતીવાડી કરતા હતા.રાકેશભાઈને તેમની બાજુમાં રહેતા તેમના કુટુંબી અશોકભાઈ લવજીભાઈ ચૌહાણની દીકરી કોમલ સાથે પ્રેમ સંબંધ હોવાથી યુવતીના ભાઈ જયદીપ અને કુટુંબી નીતિન જેન્તીભાઇ ચૌહાણ સાથે બોલાચાલી અને ઝઘડો થતો હતો.પ્રેમ સંબંધ અને ઝઘડાની દાઝ રાખી ગત રાત્રિના 11 વાગ્યા આસપાસ મલાર વાડી વિસ્તારમાં આવેલ બાડી નાગધણીબા વાળી નળમાં જયદીપ ઉર્ફે ભકુડો અશોકભાઈ ચૌહાણ,નીતિન જેન્તીભાઇ ચૌહાણ અને તેના મિત્રોએ એકસંપ કરી રાકેશભાઈની છાતી,પેટ અને પેડુના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા રાકેશભાઈનું બનાવ સ્થળે જ મોત નિપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતા આસપાસના વાડીના લોકો, રાકેશભાઈના પરિવારના સભ્યો દોડી ગયા હતા અને પોલીસને જાણ કરતા ઘોઘા પોલીસ કાફલો પણ દોડી ગયો હતો.ઘોઘા પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પ્રથમ ઘોઘા સરકારી દવાખાને અને ત્યાંથી પોસ્ટમોર્ટમ માટે ભાવનગર હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે મૃતક યુવાનના ભાઈ અમિતભાઈ ઝીણાભાઈ ચૌહાણે તેના કુટુંબી જયદીપ ઉર્ફે ભકુડો,નીતિન જેન્તીભાઇ ચૌહાણ અને તેના મિત્રો વિરુદ્ધ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેના મોટા ભાઈ રાકેશભાઇની હત્યા કરી હોવાની ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Exit mobile version