Site icon Gujarat Mirror

જુગારના રવાડે ચડેલો રાજકોટનો યુવાન 20 લાખ હારી જતા આપઘાતનો પ્રયાસ

oplus_2097184

20 લાખ હારી જતાં 10 ટકા નાણાં વ્યાજે લીધા હતાં, ફિનાઈલ ગટગટાવી લીધું

રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલા રસુલપરામાં રહેતા 40 વર્ષીય હકીમભાઈ ઈસ્માઈલભાઈ બુકેરા નામના યુવાને ગત બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ માલધારી ફાટક પાસે ફિનાઈલ પી લેતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હકીમભાઈ વ્યવસાયે કારખાનામાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે. ઘરની તમામ જવાબદારી તેમના શિરે હતી, પરંતુ એક ટૂંકી લાલચ અને જુગારની લતે હસતા-રમતા પરિવારને મુશ્કેલીમાં મૂકી દીધો છે.

મળતી માહિતી મુજબ, હકીમભાઈ છેલ્લા દોઢેક મહિનાથી તીનપત્તીનો જુગાર રમવાની અને રમાડવાની પ્રવૃત્તિમાં સામેલ થઈ ગયા હતા. શરૂૂઆતમાં નસીબ અજમાવવાની આ રમત ધીમે ધીમે વ્યસન બની ગઈ અને જોતજોતામાં તેઓ આ જુગારમાં 20 લાખ રૂૂપિયા જેવી મોટી રકમ હારી ગયા હતા. મજૂરી કામ કરતા વ્યક્તિ માટે આટલી મોટી રકમ ભરપાઈ કરવી અશક્ય હતી. આ આર્થિક ભીંસમાંથી બહાર નીકળવા માટે તેમણે અન્ય સ્થાનેથી ઊંચા વ્યાજે નાણાં લેવાની શરૂૂઆત કરી હતી, જેના કારણે તેઓ દેવાના એવા વિષચક્રમાં ફસાયા કે જેમાંથી બહાર નીકળવાનો તેમને કોઈ રસ્તો દેખાયો નહીં.

પોતાનું 20 લાખનું દેણું ચૂકવવા માટે હકીમભાઈએ 10 ટકાના ઊંચા વ્યાજદરે નાણાં લીધા હતા. સમય જતાં વ્યાજનું વ્યાજ ચડતું ગયું અને લેણદારોની ઉઘરાણી વધવા લાગી. એક તરફ કારખાનાની સામાન્ય મજૂરી અને બીજી તરફ લાખોનું દેણું અને વ્યાજની રકમ ચૂકવવાનું દબાણ વધતા તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. આર્થિક સંકડામણ અને વ્યાજખોરોના ડરને કારણે અંતે કંટાળીને તેમણે માલધારી ફાટક પાસે આ આત્મઘાતી પગલું ભર્યું હતું. હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે અને આ મામલે આજીડેમ પોલીસે વધુ તપાસ કરી રહી છે.

Exit mobile version