રાજકોટના લોહાનગર વિસ્તારમાં રામ નવમીના શુભ દિવસે ચારબાઈ મંદિર ખાતે એક કરુણ ઘટના બનવા પામી છે. જેમાં એક યુવક રામનવમી હોવાથી મંદિરના શિખર પર નવી ધજા ચડાવવા માટે ગયો હતો. તે વેળાએ યુવકને ઈલેક્ટ્રીક શોક લાગતા નીચે પટકાયો હતો. જેને બેભાન અવસ્થામાં હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. જેના મોતથી પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોહાનગર વિસ્તારમાં ચારબાઈ માતા મંદિર આવેલું છે. જ્યાં રામનવમીના તહેવાર નિમિતે લોહાનગર વિસ્તારના લોકો બહોળી સંખ્યા મંદિરે એકઠા થવાના હતાં. સવારથી યુવાનો દ્વારા મંદિરને શણગાર કરવામાં આવી રહ્યો છે. તે સમયે લોહાનગર વિસ્તારમાં રહેતો રોહિત વિજયભાઈ કણસાગરા (ઉ.વ.25) નામનો યુવાન પણ મંદિર ખાતે હાજર હતો. દરમિયાન સવારે નવેક વાગ્યાના અરસામાં મંદિરના શિખર પર ધજા ચડાવવા જતો હતો. ત્યારે ત્યાં ઉભો કરાયેલા લોખંડના પાઈપમાં ઈલેક્ટ્રીક શોક લાગતા નીચે પટકાયો હતો.
ઈલેક્ટ્રીક શોક લાગવાથી નીચે પટકાયેલા રોહિત કણસાગરાને તુરંત બેભાન અવસ્થામાં સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજપરના ડોક્ટરે જોઈતપાસી રોહિત કણસાગરાને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક બે ભાઈ બે બહેનમાં વચેટ અને અપરિણીત હતો. ધજા ચડાવતી વખતે પાઇપ ઇલેક્ટ્રિક લાઈનને અડી જતા ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે એડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ લાભુભાઈ જતાપરા તથા તેમના રાઈટર સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.

