Site icon Gujarat Mirror

જંગલેશ્ર્વરમાં ડિમોલિશનના ટેન્શનમાં યુવાને ઝેરી ગોળી ખાઈ લીધી

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા યુવાને પોતાના મકાન નું ડિમોલિશન થવાનું હોય જેને કારણે ટેન્શનમાં આવી ઉંદર મારવાની ઝેરી દવા પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.આ મામલે ભક્તિનગર પોલીસના સ્ટાફે કાર્યવાહી શરૂૂ કરી છે.

વધુ વિગતો મુજબ,જંગલેશ્વર માં આવેલી રાધા કૃષ્ણ સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં કામ કરતા ચિરાગ કિશોરભાઈ જોગવાલી નામના 30 વર્ષના યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘર પાસે ઉંદર મારવાની ઝેરી ટીકડી ખાઈ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.ચિરાગ બે ભાઈ અને બે બહેનમાં મોટો છે તેમને સંતાનમાં બે દીકરા છે.સારવારમાં રહેલા ચિરાગે જણાવ્યું હતું કે,તેમનો આશરો છીનવાઈ જશે અને તે હવે ક્યાં રહેવા જશે કોની પાસે મદદ માંગશે તેવા વિચારો આવતા તેમણે કંટાળી આ પગલું ભરી લીધું હતું.

ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નં. 6 હેઠળના 15 મીટરના ટી.પી. રોડ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.આ ડિમોલિશનને સત્તાવાર મહોર મારી દેવામાં આવી હતી.18 ફેબ્રુઆરીએ મનપા દ્વારા સત્તાવાર જાહેરાત કરી હતી કે, 23 ફેબ્રુઆરીએ સવારથી જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે 1492 જેટલા ગેરકાયદે દબાણો ઉપર બલડોઝર કેરવી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે.

Exit mobile version