Site icon Gujarat Mirror

લાખાજીરાજ ઉદ્યોગનગરમાં પત્ની રિસામણે ચાલી જતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

રાજકોટના થોરાળા વિસ્તારમાં લાખાજીરાજ ઉદ્યોગ નગરમાં રહેતા 28 વર્ષીય રવિ લાલજીભાઈ વાઘેલા નામના કોળી યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. મૃતક રવિ કુરિયર કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના પિતાનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે અને તે બે ભાઈઓ તથા ત્રણ બહેનોમાં સૌથી નાનો હતો. રવિને સંતાનમાં એક નાની દીકરી છે, જેના શિરેથી પિતાની છત્રછાયા છીનવાઈ જતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ આપઘાત પાછળનું મુખ્ય કારણ પારિવારિક ક્લેશ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. મૃતક રવિની પત્ની નમ્રતાબેન છેલ્લા ચાર દિવસથી કોઈ કારણોસર રિસામણે પોતાના માવતરે ગયેલી હતી. નમ્રતાબેનનું માવતર શહેરના સંત કબીર રોડ પર આવેલી રાજારામ સોસાયટીમાં છે. પત્નીના રિસામણા અને ઘરના વાતાવરણને કારણે રવિ છેલ્લા કેટલાક દિવસોથી માનસિક રીતે ખૂબ જ પરેશાન રહેતો હતો, જે અંતે આ ઘાતક પગલામાં પરિણમ્યું હોવાની આશંકા છે.

ઘટના બની ત્યારે રવિ ઘરે એકલો જ હતો. વિગતો મુજબ, રવિના મોટાભાઈ જયેશની સાળીના લગ્ન હોવાથી પરિવારના તમામ સભ્યો ચોટીલા ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ઘરે કોઈ ન હોવાથી રવિએ એકલતાનો લાભ લઈ પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો. જ્યારે પરિવારના સભ્યો લગ્ન પ્રસંગ પતાવીને હર્ષભેર ઘરે પરત ફર્યા, ત્યારે ઘરનો નજારો જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. રવિને લટકતી હાલતમાં જોઈને પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતના ગુનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Exit mobile version