શાપર-વેરાવળમાં મિત્રના પૈસા વપરાઈ જતાં યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

શાપર-વેરાવળ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય હર્ષદ છગનભાઈ સરવૈયા નામના યુવાને ગત બપોરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો…

શાપર-વેરાવળ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય હર્ષદ છગનભાઈ સરવૈયા નામના યુવાને ગત બપોરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હર્ષદભાઈએ બપોરના આશરે 12:00 વાગ્યાના અરસામાં શાપર પોલીસ લાઈન પાછળના ભાગે જઈ કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતા જ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પ્રાથમિક તપાસમાં આર્થિક લેવડદેવડ અને માનસિક તણાવ કારણભૂત હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની વિગતો મુજબ, હર્ષદભાઈના મિત્ર કૌશલ ઝીનકાએ હર્ષદના ઓનલાઈન માધ્યમથી રૂૂ. 60 હજાર મોકલ્યા હતા. જોકે, આ રકમમાંથી હર્ષદભાઈએ રૂૂ. 30 હજાર પોતાના અંગત કામ કે અન્ય હેતુ માટે વાપરી નાખ્યા હતા. ત્યારબાદ જ્યારે મિત્ર કૌશલ દ્વારા પોતાના પૈસાની પરત માંગણી કરવામાં આવી, ત્યારે હર્ષદભાઈ પૈસા પાછા આપી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી ભારે મુંઝવણ અને કંટાળામાં આવી ગયા હતા. આ આર્થિક ભીંસ અને પૈસા પાછા આપવાના દબાણને કારણે કંટાળી જઈને તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.