બેરોજગારી કે પોલીસ વિભાગમાં ભરતીનું વળગણ?
એક જગ્યા માટે 105 દાવેદારો, શારીરિક કસોટી માટે યુવાનોએ શરૂ કરી તૈયારી, સમયસર પરીક્ષાઓ લેવાય તેવી લાગણી
ભારતના સૌથી સમૃધ્ધ શિક્ષિત અને વિકાસશીલ રાજય ગણાતા ગુજરાતમાં પણ બેરોજગારીના કારણે દરેક સરકારી ભરતીઓમાં લાખો યુવાનો નોકરીની અપેક્ષાએ જોડાય છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાત પોલીસમાં 13591 જગ્યા ઉપર થનાર ભરતી માટે ગુજરાતભરમાંથી 14 લાખ કરતા વધુ ફોર્મ ભરાયા છે.
રાજય પોલીસ વિભાગમાં થનાર ભરતી માટે સરકારના ઓજસ પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી મુદત ગત તા.23 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યા સુધીની હતી. આ દરમિયાન કુલ 13591 જગ્યા સામે અધધધ કહી શકાય તેટલા 14 લાખ 28 હજાર 546 ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે. મતલબ કે એક જગ્યા માટે 105 દાવેદારો વચ્ચે ભરતીની સ્પર્ધા છે.
આટલી મોટી સંખ્યામાં અરજીઓ થતા ગુજરાતના યુવાનોમાં બેરોજગારીની સાથે સરકારી નોકરી અને તેમાંય ખાસ કરીને પોલીસ વિભાગમાં નોકરી માટે કેટલુ વળગણ છે તેનો ખ્યાલ આવી શકે છે.
આ ભરતી અભિયાન દ્વારા કુલ 13,591 પદો ભરવામાં આવશે. જેમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર (SI), જેલર, લોકરક્ષક / કોન્સ્ટેબલ, આર્મડ કોન્સ્ટેબલ, SRPF કોન્સ્ટેબલ અને જેલ સિપાહી જેવા પદ સામેલ છે. ખાલી જગ્યાઓમાંથી 858 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને જેલરના પદો માટે છે, જ્યારે બાકીના 12,733 પબ્લિક ગાર્ડ, કોન્સ્ટેબલ, સશસ્ત્ર કોન્સ્ટેબલ, SRPF કોન્સ્ટેબલ અને જેલ કોન્સ્ટેબલના પદો માટે છે.
પોલીસ એસઆઈ અને જેલર પદો માટે અરજી કરનારા ઉમેદવારો પાસે ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી આવશ્યક છે. લોકરક્ષક, કોન્સ્ટેબલ, આર્મ્ડ કોન્સ્ટેબલ, એસઆરપીએફ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી પદો માટે અરજી કરનારા ઉમેદવારો માટે ઓછામાં ઓછું 12મું પાસ હોવું આવશ્યક છે.
પોલીસ એસઆઈ અને જેલરની આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 21 થી 35 વર્ષની નિયત કરાઇ છે. જયારે લોકરક્ષક, કોન્સ્ટેબલ, આર્મ્ડ કોન્સ્ટેબલ, SRPF કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની આ જગ્યાઓ ઉપર અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
1. શારીરિક ધોરણ કસોટી (PST): ઊંચાઈ, છાતી વગેરેનું માપન.2. શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET): દોડ અને અન્ય શારીરિક કસરતો (ક્વોલિફાઇંગ પ્રકારની). 3. લેખિત પરીક્ષા: શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારો માટે લેખિત પરીક્ષા યોજાશે, જેનું માળખું પદ મુજબ અલગ-અલગ રહેશે.
14 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરતા સૌ પ્રથમ આ તમામ અરજીકર્તાઓની શારિરિક કસોટી લેવામા આવનાર છે . આ કસોટીમા દોડ અને શારીીરક કસરતો માટે રાજયભરના નિયત કરેલા મેદાનોમા વ્યવસ્થા ઉભી કરવામા આવશે. શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામા આવશે. આ પરીક્ષા માટે પણ રાજયભરમા મોટાપાયે બિલ્ડિંગોની વ્યવસ્થા ઉભી કરવી પડશે.
જો કે , સરકાર દ્વારા હજુ શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા માટે કોઇ તારીખો જાહેર કરવામા આવી નથી પરંતુ પોલીસમા ભરતી થવા માટે થનગનતા યુવાનો અને યુવતીઓએ અત્યારથી જ પ્રેકટીસ શરૂ કરી દીધી છે.

