Site icon Gujarat Mirror

અમરેલીની ઓકસફોર્ડ સ્કૂલમાં ચાલુ કલાસે વિદ્યાર્થીને બેફામ માર માર્યો

હોટેલમાં શાક-રોટલાને બદલે નોનવેજ ખાવાની સલાહ આપતાં હોવાનો છાત્રનો આક્ષેપ

અમરેલીની ઓક્સફોર્ડ સ્કૂલમાં ગઈકાલે એક વિદ્યાર્થીને શિક્ષકે ચાલુ ક્લાસે અવાજ કરવાના મુદ્દે ઢોર માર મારતા આ છાત્રને સારવાર માટે સિવીલમાં ખસેડાયો હતો. જો કે બાદમાં શિક્ષકે માફી માંગતા વાલીઓએ પણ સમગ્ર પ્રકરણ સમાપ્ત કર્યું હતું.છાત્રાને શિક્ષકે માર માર્યાની આ ઘટના અમરેલીની ઓક્સફોર્ડ સ્કૂલમાં ગઈકાલે બપોરે દોઢેક વાગ્યાના સુમારે બની હતી.

અમરેલીમાં જેસીંગપરામાં રહેતો એક છાત્ર અહીં અભ્યાસ કરે છે. ક્લાસ રૂૂમમાં છાત્રો અવાજ કરતા હોય શિક્ષકે છાત્રોને ટોક્યા હતા. આમ છતાં અવાજ ચાલુ રહેતા અહીંના યુનુસ ચૌહાણ નામના શિક્ષકે જેસીંગપરાના આ છાત્રને ઢોર માર માર્યો હતો. આ સમયે અન્ય શિક્ષકો પણ એકઠા થઈ ગયા હતા. પરંતુ કોઈ વચ્ચે પડ્યુ ન હતું.

આ ઘટના બાદ છાત્ર ઘરે ચાલ્યો ગયો હતો. પરંતુ બાદમાં કાનમાં દુ:ખાવો થતા સવારે તેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચે તે પહેલા શિક્ષક માફી પત્ર લખી આપવા તૈયાર થઈ ગયા હતા. વાલીઓ પણ શાળામાં દોડી ગયા હતા અને શિક્ષક માફી પત્ર આપે અને ફરી આવું ન થાય તેની ખાતરી આપે તો જતું કરવા તૈયારી બતાવતા અંતે મામલો થાળે પડ્યો હતો.
પીડીત છાત્રએ જણાવ્યું હતું કે આગળના વિદ્યાર્થીઓ અવાજ કરતા હોવા છતાં મને વગર વાંકે માર્યો હતો. તેઓ ક્લાસ રૂૂમમાં અમને હોટેલમાં જઈ શાક-રોટલાને બદલે ચિકન ખાવાની સલાહ આપતા હતા.

સંચાલક મયુરભાઈએ જણાવ્યું હતું કે, છાત્રના વાલીઓ સ્કૂલે રજૂઆત માટે આવ્યા હતા. શિક્ષકે માફી પત્ર લખી આપવાની અને ફરી આવુ નહી થાય તેની ખાતરી આપતા વાલીએ તે વાત મંજુર રાખી હતી અને મામલો પૂર્ણ થયો છે. છાત્રના કાક મોહનભાઈએ કહ્યું કે, ભત્રીજાને કાનમાં દુ:ખાવો હોય દાખલ કર્યો છે. આ શિક્ષકે અગાઉ પણ ઘણા છાત્રોને માર્યા છે. તેમને સ્કૂલમાંથી બરખાસ્ત કરાય તેવી અમારી માંગણી છે.

Exit mobile version