Site icon Gujarat Mirror

ચકલી નાની ને ફૈડકો મોટો: મુનિર, બિલાવલ પછી શાહબાઝની ભારતને ધમકી હાસ્યાસ્પદ

પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીર અને બિલાવલ ભુટ્ટોએ સિંધુ જળ સંધિ સ્થગિત કરવા મુદ્દે ભારતને ધમકી આપી એ વાત તાજી છે ત્યાં હવે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ વરતાયા છે. શરીફે સિંધુ જળ સંધિ સ્થગિત કરવા બદલ ભારતને સીધી ધમકી આપતાં કહ્યું છે? હું છે કે, આપણો દુશ્મન એટલે કે ભારત પાકિસ્તાનના પાણીનું એક ટીપું પણ છીનવી શકશે નહીં. ભારતે પાકિસ્તાનને પાણી રોકવાની ધમકી આપી છે પણ ભારત પાકિસ્તાનનું પાણી રોકવાનો પ્રયત્ન પણ કરશે તો પાકિસ્તાન ભારતને કદી ના ભૂલાય એવો પાઠ ભણાવશે. સિંધુ નદીનું પાણી પાકિસ્તાનની લાઈફલાઈન છે અને આ જીવાદોરીને કાપવાની કોઈ કોશિશ સહન કરવામાં નહીં આવે. શરીફના કહેવા પ્રમાણે તો ભારત પાકિસ્તાન તરફ વહેતાં પાણીને રોકવાનો પ્રયાસ કરે તો એ સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન પણ ગણાશે અને તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

ત્રણ દિવસ પહેલાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ પણ આ રીતે જ સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને સધી યુદ્ધની ધમકી આપી હતી. બિલાવલે ડંફાશ મારી હતી કે, ભારત સિંધુ જળ સંધિને સ્થગિત કરે તો પાકિસ્તાન પાસે યુદ્ધ સિવાય બીજો વિકલ્પ રહેશે નહીં. બિલાવલે તો એમ પણ કહેલું કે, સિંધુ નદીનું પાણી રોકવાના મોદી સરકારનાં પગલાથી પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે અને આપણે એક થઈને આ આક્રમક નીતિઓનો જવાબ આપવો પડશે.

પાકિસ્તાનના નેતા ભારત પર આક્રમણની ધમકી આપે છે એ જોઈને ખરેખર હસવું આવે છે. પાકિસ્તાન પરમાણુ શસ્ત્રો ધરાવે છે એ સાચું પણ એ સિવાય લશ્કરી મોરચે પાકિસ્તાન અને ભારતની કોઈ સરખામણી શક્ય જ નથી. લશ્કરી તાકાતની રીતે પાકિસ્તાન કરતાં ભારત અનેકગણું ચડિયાતું છે. ભારતે પોતાની લશ્કરી તાકાતનો પરચો પાકિસ્તાનને અનેક વાર આપ્યો છે પણ પાકિસ્તાન પડ્યા પછીય ટંગડી ઊંચી રાખવામાં માને છે તેથી ભારતને લશ્કરી પછડાટ આપવાનાં સપનાં દિવસે પણ જોયા કરે છે. પાકિસ્તાન પોતાનાં પરમાણુ શસ્ત્રો પર મુસ્તાક છે પણ પરમાણુ શસ્ત્રો ભારત પાસે પણ છે. પાકિસ્તાન પરમાણુ શસ્ત્રોથી ભારતને નુકસાન કરી શકે તેના કરતાં અનેક ગણું વધારે નુકસાન ભારત પાકિસ્તાનને કરી શકે છે.

Exit mobile version