Site icon Gujarat Mirror

ખંભાળિયાના નભમાં સર્જાઈ પચરંગી પતંગોની રંગોળી

ધાબાઓ ગુંજ્યા “એ કાયપો છે”ની ચિચિયારીઓથી દાન-પૂણ્યની પરંપરા જળવાઈ

આનંદ ઉમંગના પર્વ એવા મકરસંક્રાંતિની ગઈકાલે ખંભાળિયાવાસીઓએ હોંશભેર ઉજવણી કરી હતી. પતંગોત્સવ સાથે ખાણીપીણીની મોજ માણવાની સાથે સાથે લોકોએ દાન-પુણ્યની પરંપરા પણ જાળવી હતી.
ઉતરાયણ પર્વ નિમિત્તે ગઈકાલે બુધવારે ખંભાળિયામાં સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં બાળકો અને યુવા હૈયાઓએ સવારથી જ ઘરના ધાબા ઉપર ચડીને પતંગ ઉડાવ્યા હતા. ખાસ કરીને સાંજના સમયે મિત્રો, પરિવારજનો સાથે અબાલ વૃદ્ધ સૌ કોઈએ મકાનની અગાસી પર પતંગ ઉડાડવાની અનેરી મોજ માણી હતી. આટલું જ નહીં, સાથે સાથે બોર, ચીકી, જીંજરા, શેરડીની મોજ માણી હતી. ઉતરાયણની વણલખી પરંપરા મુજબ ગઈકાલે લોકોએ બપોરના જમણમાં ઊંધિયાના સ્વાદની મજા માણી હતી અને ઊંધિયું વેચતા વિક્રેતાઓને તડાકો બોલી ગયો હતો.

બપોર બાદ સૌ કોઈએ ધાબા ઉપર વિવિધ આકાર પ્રકારના પતંગ ઉડાવીને આનંદની ચિચિયારીઓ સાંભળવા મળી હતી. શોખીન લોકોએ પોતાના ધાબા પર જનરેટર વિગેરેની મદદથી મ્યુઝિક સિસ્ટમ વગાડીને પતંગોત્સવની અનેરી મોજ માણી હતી. જોકે પવનની ગતિ ધીમી હોવાથી પતંગરસીયાઓ હતાશ બન્યા હતા. ગઈકાલે દિવસ દરમિયાન શહેરમાં રજાનો માહોલ જોવા મળ્યો હતો.

દાન-પુણ્યના આ પર્વ નિમિત્તે લોકોએ ધર્મ સ્થળો ઉપરાંત ગરીબો અને ગાય વિગેરેને અન્નદાન તેમજ અન્ય ચીજ વસ્તુઓનું દાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. અહીંની જાણીતી સેવા સંસ્થા એકતા યુવક મંડળ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘઉંના ડ્રાયફ્રુટ લાડવા બનાવીને વિતરણ કરવાનું આયોજન કરાયું હતું. જેમાં 225 કિલો ઘઉંના લાડવા મંગળવારે રાત્રે બનાવીને બુધવારે સવારે ગાયોને ખવડાવવામાં આવ્યા હતા. ગઈકાલે મકરસંક્રાંતિ નિમિતે સામાજિક કાર્યકર અને રઘુવંશી સમાજના યુવા અગ્રણી હાર્દિક મોટાણી અને જય હો ગ્રુપ દ્વારા સ્લમ વિસ્તારમાં 200 જેટલા બાળકોને ધાબળા, પતંગ, ફીરકી, ચીકી ઉપરાંત અડદિયાનું વિતરણ કરી, ખરા અર્થમાં સેવા પર્વની ઉજવણી કરી હતી.

Exit mobile version