ગુજરાત
અમરેલી જિલ્લા જેલ ખાતે કાચા કામના કેદીની તબિયત લથડતા મોત
અમરેલી જિલ્લા જેલમા કાચા કામના એક કેદીને બે દિવસથી શરદી ઉધરસની બિમારી હોય અચાનક તબીયત લથડતા તેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમા ખસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજયું હતુ.
કાચા કામના કેદીના મોતની આ ઘટના અમરેલીમા બની હતી. અહીની જિલ્લા જેલમા મુળ ગોંડલનો મહિપતભાઇ ઘુડાભાઇ ઉર્ફે ઘુળાભાઇ સોલંકી (ઉ.વ.26) નામનો યુવક કાચા કામના કેદી તરીકે હાલ જેલમા હતો. આ કેદીને બે દિવસથી શરદી ઉધરસની સારવાર શરૂૂ હતી.
ગઇકાલે તેની તબીયત અચાનક બગડતા તેને જેલના મેડિકલ ઓફિસરે તપાસ કરી વધુ સારવાર માટે જેલની એમ્બ્યુલન્સ મારફત અમરેલી સિવીલ હોસ્પિટલમા ખસેડાયો હતો.
અહી તેને ટ્રોમા સેન્ટરમા દાખલ કરાયો હતો. જયાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. બનાવ અંગે જેલના હવાલદાર વિપુલભાઇ મફતભાઇ પ્રજાપતિએ અમરેલી સીટી પોલીસ મથકમા જાણ કરી હતી.