Site icon Gujarat Mirror

કાલાવડ તાલુકામાં 18 ખેડૂતો સાથે 97 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 18 જેટલા ખેડૂતોની 96.97 લાખની ખેત પેદાશોની ખરીદી કરી નાણાં ચૂકવ્યા વિના રફુચક્કર થઈ જનાર શખ્સ ને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધો છે, અને અદાલત સમક્ષ રજૂ કરી 9 દિવસના રિમાન્ડ પર લીધો છે.

કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં રહીને ખેતી કામ કરતા ખેડૂત કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠીયાએ ગત 3.2.2026 ના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ કરી ને જણાવ્યું હતું, કે પોતાની તથા અન્ય 17 ખેડૂતોની આશરે 96,97,601 જેટલી રકમની જુદી જુદી ખેત પેદાશો મેળવી લઈ નાણાં નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે કાલાવડના કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા દિલીપ નારદભાઈ સાવલિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ખેડૂત કુલદીપભાઈ કોઠીયા પાસેથી આરોપી દિલીપ સાવલિયાએ મગફળી તથા તલ વગેરેનો જથ્થો ખરીદ કર્યો હતો, ઉપરાંત સફેદ ચણા સહિતની અન્ય ખેતપેદાશો ની કાલાવડના ગ્રામ્ય વિસ્તારના કુલ 18 ખેડૂતો પાસેથી ખરીદી કરી હતી. કુલ 96,97,601 જેટલી માતબર રકમની જુદી જુદી ખેતપેદાશોની ખરીદી કરી લીધા બાદ આરોપી દિલીપ સાવલિયાએ નાણાં નહીં ચૂકવી હાથ ખંખેરી લેતાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઇ એન.વી. આંબલીયા અને તેઓની ટીમ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી લઈ આરોપી દિલીપ સાવલિયાની ધરપકડ કરી લીધી હતી. જેને અદાલત સમક્ષ રજૂ કરી 12 દિવસની રિમાન્ડની માંગણી કરતાં અદાલતે 9 દિવસની પોલીસ રિમાન્ડ મંજૂર કરી છે. જેની હાલ પોલીસ દ્વારા ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

Exit mobile version