ગુજરાત
દીવના હરતા ફરતા રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાં રેકોર્ડિંગ કરતો મોબાઇલ પકડાયો
દીવમાં સહેલાણીઓના આકર્ષણ સમી કુઝ ટાઇપનું હરતું ફરતું રેસ્ટોરન્ટ છે જેમાં દરિયામાં થોડા અંતર સુધી પ્રવાસીઓને લઇ જાય છે. આજે આ ફલોટેલ રેસ્ટોરન્ટના મહિલા વોશરૂૂમમાં એક પ્રવાસીએ વીડિયો રેકોર્ડિંગ કરતો મોબાઇલ ફોન મુકી દેતાં ભારે હોબાળો મચી ગયો હતો. ભારે હોબાળાના કારણે પોલીસ ધસી ગઇ હતી. પર્યટકોએ આરોપીને ઓળખી જતાં તેની ધરપકડ કરી છે.
આજે આ મામલે ખૂબ જ વાતાવરણ ઉગ્ર બની જતાં પોલીસે મામલો માંડ શાંત પાડયો હતો.ગત રાત્રિના અહીંની બંદર ચોક જેટી પાસે દરિયામાં લાંગરેલી ફલોટેલ લોર્ડસ રેસ્ટોરન્ટમાં અનેક સહેલાણીઓ હતા. આ પૈકીના એક સહેલાણી પ્રતિક રમેશભાઇ આંજલી નામના પ્રવાસીએ ગંદી હરકત કરી મહિલાના વોશરૂૂમના વોશબેસિન પાઇપ લાઇન સાથે મોબાઇલમાં વીડિયો ચાલુ કરી રેકોર્ડિંગ માટે ચીપકાવી દીધો હતો. આ બાબતની મહિલા પર્યટકોને જાણ થઇ જતાં મહિલા અને અન્ય પર્યટકોએ ભારે હોબાળો મચાવી દેતાં અફરા તફરી મચી ગઇ હતી અને માહોલ ઉગ્ર થઇ ગયો હતો.
આ બાબતે તાકિદે દીવ પોલીસને ઘટના સ્થળે ધસી જવાની ફરજ પડી હતી. વખતે પોલીસે મામલો શાંત પાડવા કોશિષ કરી હતી. પરંતુ મામલો તંગ થઇ જતાં આખરે ઉપરોક્ત શકદાર આરોપીની ધરપકડ કરી તેને પોલીસ મથકે લઇ ગયા હતા અને તેની સામે એફઆઇઆર નોંધી હતી.