Site icon Gujarat Mirror

કોડીનારના દુદાણામાં શોર્ટ સર્કિટથી ખેતરોમાં ભીષણ આગ

લાખોની શેરડી બળીને ખાખ થઇ જતાં પી.જી.વી.સી.એલ.ની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ

કોડીનાર તાલુકાના દુદાણા ગામની સીમમાં આજે સવારે પી.જી.વી.સી.એલ.ની જર્જરિત વીજ લાઈનમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અનેક ખેડૂતોનો તૈયાર થયેલો શેરડીનો પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતો આર્થિક પાયમાલીના આરે આવી ગયા છે.

કોડીનાર ના દુદાણા ગામની સીમમાં આવેલ સર્વે નંબર 1330 વાળી કિશનભાઈ હિંમતસિંહ રાઠોડની માલિકીની જમીન ઉપરથી પી.જી.વી.સી.એલ.ની 11 કે.વી.ની ’ભવાની એ.જી.’ લાઈન પસાર થાય છે. આ લાઈન લાંબા સમયથી જર્જરિત અને ઢીલી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવ્યું નહોતું. આજે સવારે 11:30 કલાકે અચાનક સ્પાર્ક થતા તેના તણખા શેરડીના વાઢમાં પડ્યા હતા, જેને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું.

આગની લપેટમાં અનેક ખેતરો આગ એટલી ભયાનક હતી કે તે પવનની ગતિ સાથે બાજુના ખેતરોમાં પણ પ્રસરી હતી કિશનભાઈ રાઠોડ ની 160 ટન શેરડી અને ઘાસચારો મળી કુલ રૂૂા. 5.60 લાખનું નુકસાન. થવા પામ્યું છે જયારે હંસાબેન રાઠોડ ની 320 ટન શેરડી અને ઘાસચારો મળી કુલ રૂૂા. 11.20 લાખનું નુકસાન.
તો જેઠાભાઈ સામતભાઈ નો શેરડીનો પાક પણ આગની લપેટમાં આવી ગયો હતો. અને બાબુભાઈ બાંભણીયાના શેઢા પર રાખેલ પ્લાસ્ટિક પાઈપો, લાકડા અને નાળિયેરી-લીમડાના ઝાડ બળી ગયા હતા.ભોગ બનનાર ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, જર્જરિત લાઈન અંગે પી.જી.વી.સી.એલ.માં અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્રએ તે ગંભીરતાથી લીધી નહોતી. પરિણામે આજે ખેડૂતોએ વર્ષભરની મહેનત અને લાખો રૂૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ મામલે ખેડૂતોએ કોડીનાર પોલીસ સ્ટેશન અને પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે લેખિત ફરિયાદ નોંધાવી નુકસાનનું વળતર અપાવવા અને જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે તૈયાર શેરડીના પાક ટૂંક સમયમાં જ સુગર મિલ માં પિલાણ માટે જવાનો હોવાનું જાણવા મળ્યું છે. હવે આ સમયેજ વાડ ઉપર વીજ વાયર પડતા ઉભો પાક ભસ્મીભૂત થઇ જતાં ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જુટવાઈ જતા ખેડૂત પરિવાર માથે આભ ફાટ્યો હોય તેમ ચિંતા માં ગરકાવ થયો છે.

 

Exit mobile version