Site icon Gujarat Mirror

રતનપર પાસે રસ્તો ઓળંગતા પ્રૌઢનું અજાણ્યા વાહનની ઠોકરે મોત

oplus_2097152

 

શહેરમાં મોરબી રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈક અને રાહદારી પ્રૌઢને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા યુવાન અને પ્રૌઢને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ઉપર આવેલા રતનપર ગામે રહેતા યશ દિનેશભાઈ માલકીયા નામનો 30 વર્ષનો યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો જ્યારે રતનપર ગામના પાટીયા પાસે દિલીપભાઈ જીવરાજભાઈ ચાવડા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહન ચાલાકે યસ માલકીયાના બાઈકને અને રાહદારી દિલીપભાઈ ચાવડાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ઘવાયેલા બને લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા રાહદારી દિલીપભાઈ ચાવડાનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં દિલીપભાઈ ચાવડા ગઈકાલે બુટ ચપ્પલની કેબીન ચાલુ કરવાના હતા તે પૂર્વે જ રસ્તો ઓળંગતી વખતે કાળ બનીને ત્રાટકેલા અજાણ્યા વાહન ચાલકે જીવલેણ અકસ્માત સર્જતા મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે.ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version