Site icon Gujarat Mirror

ભાવનગરમાં ધોળા દહાડે ઘરના નકુચા તોડી 1.97 લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરી

ભાવનગરના વિક્ટોરીયા રોડ સરદાર પટેલ સોસાયટીમાં રહેતા એક પરિવાર ના મકાનને નિશાન બનાવી તસ્કરો બપોરના સમયે સોના-ચાંદીના દાગીનાની ચોરી નાસી છૂટ્યા હતા.

ચોરીના આ બનાવવાની વિગત એવી છે કે ફરિયાદી ઉષાબેન નરેશભાઈ જોષી બપોરે આશરે સવા બાર વાગ્યે તેમના પુત્ર અને દિયરની પુત્રી સાથે ઘરના દરવાજા બંધ કરીને ભાવનગર રેલ્વે ટર્મીનસ સામે આવેલી વાડીમાં જમણવારમાં ગયા હતા. દરમિયાન, બપોરે 12:15 થી 2:00 વાગ્યાની વચ્ચે કોઈ અજાણ્યા ઈસમોએ તેમના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

તસ્કરોએ ઘરમાં રહેલા લોખંડના ફર્નિચરના કબાટમાંથી વિવિધ સોનાના ઘરેણાં, જેમાં સોનાના ચેઈન, હાથની ચૂડી, કાનની બુટી, વીંટી, ઓમકાર, પેન્ડલ સહિતના દાગીના અને આશરે 1 કિલો જેટલી ચાંદીની વિવિધ વસ્તુઓ મળી કુલ 1,97,709 રૂૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી.

પરિવાર જ્યારે બપોરે પોણા બે વાગ્યે ઘરે પરત ફર્યો ત્યારે દરવાજાનો નકુચો તૂટેલો જોયો હતો અને ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે, ચોરીમાં ગયેલા દાગીનાના બીલો પણ ચોરાઈ ગયા હોવાથી, તેમની ખરાઈ કર્યા બાદ ફરિયાદ નોંધાવી છે. હાલમાં બોરતળાવ પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version