Site icon Gujarat Mirror

પાકિસ્તાનમાં હિન્દુ તીર્થયાત્રીની ગોળી મારી હત્યા કરી લૂંટ ચલાવી

ગુરુ નાનકદેવના પ્રકાશ પર્વની ઉજવણીમાં જતા હતા

પાકિસ્તાનના નનકાના સાહિબમાં એક હિન્દુ તીર્થયાત્રીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ ગુરુ નાનક દેવના 555મા પ્રકાશ પર્વની ઉજવણીમાં ભાગ લેવા જઈ રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક સિંધ પ્રાંતના લરકાના શહેરનો વતની હતો, જેની ઓળખ રાજેશ કુમાર તરીકે થઈ છે. રાજેશ કુમાર પોતાના મિત્ર અને સંબંધી સાથે કારમાં લાહોરથી નનકાના સાહિબ જઈ રહ્યા હતા. દરમિયાન, લાહોરથી લગભગ 60 કિલોમીટર દૂર માનનવાલા-નનકાના સાહિબ રોડ પર ત્રણ લૂંટારાઓએ તેમનો રસ્તો રોકી દીધો હતો.


બંદૂકધારીઓએ ત્રણેય પાસેથી 4.5 લાખ રૂૂપિયા અને ડ્રાઈવર પાસેથી 10,000 રૂૂપિયા છીનવી લીધા હતા. જ્યારે રાજેશ કુમારે તેનો વિરોધ કર્યો તો લૂંટારાઓએ તેના પર ગોળીબાર કર્યો અને ભાગી ગયા. બુધવારે રાત્રે લૂંટ અને ગોળીબારની ઘટના બાદ રાજેશ કુમારને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગુરુવારે તેમનું મૃત્યુ થયું હતું. મૃતક સંબંધીની ફરિયાદ પર પાકિસ્તાન પીનલ કોડની સંબંધિત કલમો હેઠળ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

Exit mobile version